વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણ છતાં કડાકો-શેરબજારમાં મંદીનો માહોલ
સેન્સેક્સ ૬૬ પોઈન્ટ તૂટ્યોઃ એરટેલને સૌથી વધુ ઘટાડો ટાટા સ્ટીલ, ઓએનજીસી અને ટીસીએસના શેરો તૂટ્યા
મુંબઈ, શેરબજારમાં પાંચ દિવસથી સતત ઘટાડો બુધવારે પણ જોવા મળ્યો હતો અને બીએસઈ સેન્સેક્સ ૬૬ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે સકારાત્મક વલણ હોવા છતાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ઊંચા ખૂલ્યા પરંતુ વેપાર દરમિયાન વેગ ટકાવી શક્યા નહીં. સેન્સેક્સ આખરે ૬૫.૬૬ પોઈન્ટ એટલે કે ૦.૧૭ ટકાના ઘટાડા સાથે ૩૭,૬૬૮.૪૨ પર બંધ રહ્યો હતો.
એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૨૧.૮૦ પોઇન્ટ એટલે કે ૦.૨૦ ટકા ઘટીને ૧૧,૧૩૧.૮૫ પોઇન્ટ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ શેરોમાં ભારતી એરટેલનો સૌથી મોટો ઘટાડો હતો. તેમાં લગભગ ૮ ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ, ઈન્ડસઇન્ડ બેન્ક, એનટીપીસી, પાવરગ્રિડ, ઓએનજીસી અને ટીસીએસમાં પણ ઘટાડો થયો છે. બીજી બાજુ, તેજી પકડનારા પ્રમુખ શેરોમાં એક્સિસ બેન્ક, એચયુએલ, ઇન્ફોસીસ, નેસ્લે ઇન્ડિયા અને એચડીએફસી બેંકનો સમાવેશ છે.
વેપારીઓના મતે, સકારાત્મક વૈશ્વિક વલણ હોવા છતાં, સ્ટોક કેન્દ્રીત વેચવાલીને કારણે સ્થાનિક બજારમાં ઘટાડો થયો. વૈશ્વિક સ્તરે, શાંઘાઈ, હોંગકોંગ અને દક્ષિણ કોરિયાના સિઓલ બજારો એશિયાના અન્ય બજારોમાં નફાકારક હતા, જ્યારે જાપાનમાં ટોક્યો નુકશાનમાં બંધ રહ્યો હતો. યુરોપના મુખ્ય શેર બજારોમાં, શરુઆતના કારોબારમાં તેજીનું વલણ રહ્યું હતું.
દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૦.૮૯ ટકાના વધારા સાથે .૦ ૪૨.૦૯ પર ટ્રેડ કરી રહ્યો છે.
વિદેશી વિનિમય બજારમાં રૂપિયો યુએસ ડોલરની સામે નજીવો એક પૈસો વધીને ૭૩.૫૭ ની સપાટીએ બંધ રહ્યો છે. સ્થાનિક શેરબજારમાં ઘટાડા વચ્ચે રોકાણકારો દ્વારા સાવચેતીભર્યા વલણ પાછળ બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે એક પૈસાના વધારા સાથે ૭૩.૫૭ (પ્રોવિઝનલ) ની સપાટીએ બંધ રહ્યો હતો.
ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૭૩.૫૯ ના સ્તરે ખુલ્યો અને દિવસના કામકાજ દરમિયાન મર્યાદિત રેન્જમાં ટ્રેડ થયો હતો. અમેરિકન ડોલર સામે રૂપિયો એક પૈસાના વધારા સાથે ૭૩.૫૭ ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન રૂપિયો ૭૩..૪૯ ની ઊપલી સપાટી અને ૭૩..૬૩ ની નીચી સપાટીએ જોવા મળ્યો.
મંગળવારે રૂપિયો ૨૦ પૈસા તૂટીને ૭૩.૫૮ ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે મોટી કરન્સી સામે ડોલર મજબુત થવાને કારણે સ્થાનિક ચલણ પર પણ દબાણ આવ્યું છે. વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૧૯ ટકા ઘટીને ૪૧.૬૪ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.