વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ….. કોવિડ વિજય રથે આ ભજનને સાર્થક કરતા રાજ્યમાં સત્ય, અહિંસા, સ્વચ્છતા, સાવચેતી અને સલામતીના સંદેશનો પ્રસાર કર્યો
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પરેશ જોશીએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું
Ahmedabad, સત્ય, અહિંસા, સ્વચ્છતા અને એવા અનેક સત્વોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરનારા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતી અને કોવિડ વિજય રથના ભ્રમણનો છવ્વીસમો દિવસ આજે એક સુખદ સમન્વય માં પરિવર્તિત થયો છે.
કોવિડ વિજય રથનો મુખ્ય હેતુ ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જન તો…એના ઉપર આધારિત છે અર્થાત નગરીકોને કોવિડની પીડા ઓછામાં ઓછી થાય અને લોકો એના અંગે જાગૃત બનીને સાવચેતી રાખે એ ધ્યેય પણ આ રથનું ભ્રમણ ચરિતાર્થ કરે છે.
આજે છવ્વીસમા દિવસે વિજય રથની કૂચ રાજ્યના સીમાડાના જિલ્લામાં પહોંચી હતી અને ગામેગામ લોકોમાં વિના મૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું હતું.
આજે જામનગરમાં ટાઉન હોલ ખાતેથી ગુજરાતના કૃષિ કેબિનેટ મંત્રી શ્રી આર સી ફળદુએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુર, સ્થાનિક આગેવાનો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન રથે જામનગરના સિટી એરિયા, આયુર્વેદિક કૉલજ, બસ સ્ટેશન, લહોટા તળાવ, પ્રેમચંદ કોલોની વગેરે વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું.
કલાકારોએ વિવિધ કળા નિદર્શન દ્વારા લોકોને માહિતગાર અને જાગૃત કર્યા, સાથે લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કર્યું.
ગાંધી જયંતીના પાવન પ્રસંગે કોવિડ વિજયરથનું પ્રસ્થાન હિંમતનગરના મોતીપુરા ચાર રસ્તા પાસે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા આગળથી ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. હિંમતનગર મુકામેથી કોવિડ વિજય રથના આ જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ હતી.
ત્યારબાર સાબરકાંઠા જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મહાવીર નગર , હડિયોલ, કાંકણોલ, બેરણાં, ગાંભોઇ વગેરે વિસ્તારોમાં ભ્રમણ કરી સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું તેમજ માસ્કનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.
આજે રથ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાએ પહોંચ્યો છે. આજે સવારે 10 વાગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પરેશ જોશીએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન રથ રણછોડ નગર, ઇન્દિરા નિવાસ, ચાંપાનેર ગામમાં ભ્રમણ કરીને કોરોના અંગે અને પોષણના મહત્વ વિશે જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. રથે આજે 33 કિલોમીટરનું ભ્રમણ કરીને ચાંપાનેર ગામ ખાતે રોકાણ કર્યું હતું.
આજે જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના છોડવડી ગામથી રથનું પ્રસ્થાન થયું હતું. છોડવડી ગામના સરપંચ શ્રી રમેશભાઈ રવજીભાઈ કોઠીયાળએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
સમગ્ર દિવસ દરમિયાન રથ છોડવડી ગામની શ્રી કન્યાશાળા, મંડલીકપુર ગામ, બીલખાવ ગામ, મોણીયા ગામ તેમજ વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ભ્રમણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કર્યા હતા.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. હેત્વીબેન. બી. પટેલ અને શ્રી હરીશભાઈ. એસ. ચૌધરીએ કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
સરા ગામ, બારતાડ ગામ, ચઢાવ ગામ, ખંભાળિયા ગામ ઉનાઈ ગામમાં ભ્રમણ કરીને લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.