વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના ચાંદીના સિક્કા બહાર પાડ્યા
જમ્મુ: વૈષ્ણો દેવી શ્રાઇનના નામ પર સોના અને ચાંદીના સિક્કા બહાર પાડ્યા છે. શ્રાઇન બોર્ડના એક ઓફિશિયલ પ્રવક્તાએ જણાવ્યું કે આ સિક્કા ભારત સહિત સમગ્ર દુનિયામાં માતા વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓ માટે બહાર પાડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે તેમને દેશ અને દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ માટે આ સિક્કા બહાર પાડતાં ખૂબ જ ખુશી થઈ રહી છે. મનોજ સિન્હાએ કહ્યું કે, આ વખતે કોરોના વાયરસના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતા વૈષ્ણો દેવીના દર્શન માટે નથી પહોંચી શક્યા.
એવામાં વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે નક્કી કર્યું કે જમ્મુ અને દિલ્હીમાં શ્રદ્ધાળુઓ માટે સોના અને ચાંદીના સિક્કા ઉપલબ્ધ કરાવવામાં આવે. નોંધનીય છે કે આ સિક્કા પર માતા વૈષ્ણો દેવીની છાપ હોય છે. મનોજ સિન્હાએ કહ્યું કે માનવતાના હિતમાં લોકોને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ૨થી લઈને ૧૦ ગ્રામ સુધીના સિક્કા બનાવ્યા છે. સિક્કાઓની કિંમત ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મુદ્રાના આધારે નક્કી થશે.
આ ઉપરાંત સોના અને ચાંદીના બજાર ભાવના આધાર પર સિક્કાના ભાવ પણ દરરોજ બદલાતા રહેશે. હાલમાં ચાંદીનો ૧૦ ગ્રામનો સિક્કો ૭૭૦ રૂપિયામાં ઉપલબ્ધ હશે, જ્યારે ૫ ગ્રામના સિક્કાની કિંમત ૪૧૦ રૂપિયા છે. આ ઉપરાંત સોનાના ૨ ગ્રામના સિક્કાનો ભાવ ૧૧,૪૯૦ રૂપિયા રાખવામાં આવ્યો છે.
બીજી તરફ, ૫ ગ્રામ સોનાના સિક્કાની કિંમત ૨૮,૧૫૦ અને ૧૦ ગ્રામ સિક્કાની કિંમત ૫૫,૮૮૦ રૂપિયા છે. આ સિક્કા જમ્મુ એરપોર્ટ, કટરા, કાલકા ધામ, જમ્મુની સાથોસાથ દિલ્હીમાં પૃથ્વીરાજ રોડ પર જેકે હાઉસમાં શ્રાઇન બોર્ડની દુકાનનો પર ઉપલબ્ધ છે.વૈષ્ણો દેવી શ્રાઇનના નામ પર સોના અને ચાંદીના સિક્કા બહાર પાડ્યા છે.