વૉરશિપ વિરાટ મુંબઈથી અલંગ આવવા રવાના થશે
રાજકોટ: સૌથી લાંબી સેવા આપતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ શુક્રવારે મુંબઇથી ભાવનગરના અલંગ પહોંચવા માટે આજે તેની અંતિમ યાત્રા શરૂ કરશે, જ્યાં તેને ભાંગવામાં આવશે. ૩૦ વર્ષની સેવા આપ્યા બાદ ૨૦૧૭માં ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએડ વિરાટ સેના નિવૃત થયું હતું. મુંબઈથી નીકળનાર આઈએનએસ વિરાટ રવિવારની મધ્યરાત્રિની આસપાસ અલંગ પહોંચવાની સંભાવના છે. આ એકમાત્ર યુદ્ધ જહાજ છે
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
જેણે યુકે અને ભારત નૌકાદળની સેવા કરી છે. ઐતિહાસિક જહાજને ભાંગવા માટે ૩૮.૫૪ કરોડ રૂપિયામાં અલંગ સ્થિત શ્રી રામ ગ્રુપે બિડ જીતી હતી. આ શિપ હાલમાં મુંબઇના નેવલ ડોકયાર્ડમાં લંગારવામાં આવ્યું છે જ્યાંથી ટગ બોટ જહાજને અલંગ લઈ જશે. શ્રી રામ ગ્રૂપના અધ્યક્ષ મુકેશ પટેલે કહ્યું કે, વૉરશીપનું સ્ટીલ ઉચ્ચ ગુણવત્તાનું છે. તેમાં બુલેટપ્રૂફ મટિરિયલ અને નોન-ફેરસ સ્ટીલ પણ છે.
આ પહેલીવાર છે કે બે રાષ્ટ્રની સેવા કરનાર યુદ્ધ જહાજ અલંગ આવી રહ્યું છે. કસ્ટમ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) તેમની કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ તેને વિખેરવા માટે સોંપવામાં આવશે. આઈએનએસ વિરાટ મૂળરૂપે બ્રિટીશ જહાજ છે અને ૧૯૫૯માં રોયલ નેવીમાં તેને કાર્યરત કરાયું હતું. ભારતે ૧૯૮૬માં તેને ખરીદ્યુ હતું અને ભારતીય નૌકાદળમાં ૩૦ વર્ષ ગાળ્યા બાદ માર્ચ ૨૦૧૭માં આઈએનએસ વિરાટ સેના નિવૃત થયું હતું.
આઈએનએસ વિરાટનું સ્ટીલ ખરીદવા માટે શ્રી રામ ગ્રુપ સાથે અનેક મોટરસાયકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ વાટાઘાટો કરી રહ્યા છે, એમ એમડી મુકેશ પટેલે પુષ્ટિ કરી છે. ‘ભૂતકાળમાં પણ ઘણી બાઇક કંપનીઓએ આઈએનએસ વિક્રાંતના ધાતુ અને બીજા વિશ્વ યુદ્ધના યુદ્ધ જહાજો સાથે મર્યાદિત સંસ્કરણ વાહનો શરૂ કર્યા હતા. ટુ-વ્હીલર કંપનીઓએ અમારો સંપર્ક કર્યો છે અને અમે ઇમેઇલ્સની આપલે કરી છે. એકવાર શિપ બ્રેકિંગ યાર્ડમાં આવે ત્યારે સોદો થવાની સંભાવના છે,’ એમ પટેલે જણાવ્યું હતું.