વોટ બેંક માટે CAAનો વિરોધ : અમિત શાહ
વૈશાલી: બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નાગરિકતા કાનૂન (સીએએ) પર સંસદમાં ચર્ચા કરવાની માંગ વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, કેટલાક લોકો વોટ બેંક માટે આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. શાહએ રેલી દરમિયાન કહ્યું હતું કે, સીએએને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સીએએના વિરોધને લઇને લાલૂ પ્રસાદ યાદવ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ નેતા દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને લાલૂ પ્રસાદ યાદવ સંશોધિત નાગરિકતા કાનૂન પર લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને આ કાનૂનના કારણે કોઇપણ વ્યક્તિની નાગરિકતા છીનવવામાં આવશે નહીં. તેમણે બિહારના વૈશાલી જિલ્લામાં સંશોધિત નાગરિકતા કાનૂનના સમર્થનમાં આયોજિત એક રેલીમાં જણાવ્યું હતું કે, સીએએને બિહારમાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિપક્ષી દળોએ સીએએ વિરોધી હિંસા કરાવી છે જેના કારણે ભાજપને તેના નાપાક ઇરાદાઓ અંગે લોકોને માહિતી આપવા માટે દેશભરમાં રેલીઓનું આયોજન કરવું પડી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, સીએએનો હેતુ તે લોકોની સહાય કરવાનો છે જેમની આંખોની સામે તેમની મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે, તેમની સંપત્તિને પડાવી લેવાઈ છે અને તેમના પુજા સ્થળોને અપવિત્ર કરવામાં આવી રહી છે ત્યારબાદ તેઓ ભારતમાં આવશે.
ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, નાગરિકતા કાનૂનના મારફતે અનેક પીડિત લોકોને લાભ મળશે પરંતુ કેટલાક લોકો પોતાની વોટ બેંક માટે આનો વિરોધ કરી રહ્યા છે. હું તમામ લોકોને કહેવા માંગું છું કે, આ કાનૂનથી કોઇની પણ નાગરિકતા જશે નહીં. આ દેશના લોકોને નાગરિકતા આપશે, કોઇની નાગરિકતા જશે નહીં. કોંગ્રેસ પાર્ટીએ ધર્મના આધાર પર દેશને વિભાજિત કરવાનું કામ કર્યું છે. આનાથી લાખો શરણાર્થી ભારત આવ્યા અને જે લોકો પાકિસ્તાનમાં રહી ગયા ત્યાં હિન્દુ, બૌદ્ધ, જૈન ભાઈઓની સાથે અન્યાય થઇ રહ્ય છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશમેં ૩૦ ટકા હિન્દુ, બૌદ્ધ અને જૈન લોકો હતા પરંતુ આજે માત્ર ૩ ટકા જ લોકો રહ્યા છે. હું રાહુલ ગાંધી, લાલૂ યાદવ અને મમતા બેનર્જીથી પુછવા માંગું છું કે, બાકીના લોકો ક્યા ગયા. આ લોકો આંધળા છે અથવા તો કાન બહેરા થઇ ગયા છે, તેમની બુદ્ધિ ગુમ થઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે, જેમના મંદિર, ગુરુદ્વારા તોડી પાડવામાં આવ્યા છે તે ક્યાં જશે.
બિહારમાં જેડીયુ અને ભાજપની વચ્ચે ચૂંટણીને લઇ ખેંચતાણના સમાચાર વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેરાત કરી હતી કે, તેમની પાર્ટી અને જેડીયુ વચ્ચે ગઠબંધન અટૂટ છે. તેમણે કહ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી અમે નીતિશકુમારના નેતૃત્વમાં સાથે મળીને લડીશું. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે, બિહારમાં જેડીયુ અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, અમારા ગઠબંધન અટૂટ છે. કોઇપણ મતભેદો નથી.