વોડાફોન આઇડિયા કાર્યક્ષમતા અને ઝડપમાં સુધારો કરવા સર્કલ ઓપરેશન્સને ક્લસ્ટર આધારિત મોડલમાં પરિવર્તિત કરશે
નવી દિલ્હી, વોડાફોન આઇડિયાએ સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ અને 4જી કવરેજ મજબૂત કરવા માટે સર્કલ આધારિત ઓપરેટિંગ મોડલમાંથી ક્લસ્ટર આધારિત અભિગમ અપનાવીને સંચાલકીય સુધારણા હાથ ધરી છે. ટેલિકોમ ક્ષેત્રની અગ્રણી કંપની સારા અને વધુ અસરકારક માળખા દ્વારા ટેલિકોમ માર્કેટમાં મજબૂત સ્પર્ધાત્મક સ્થિતિ હાંસલ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તેમ વિવિધ સુત્રોએ જણાવ્યું હતું.
સર્કલ્સને સંચાલકીય હેતુ માટે 10 ક્લસ્ટર્સમાં ગોઠવવાં આવ્યાં છે, તેમ સુત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે માર્કેટ પ્રત્યેની આ નવી કીટબદ્ધતા કંપનીના ભવિષ્ય અંગેની અટકળોને પૂર્ણવિરામ આપશે તથા સ્પષ્ટ સંદેશો આપશે કે વોડાફોન આઇડિયા માર્કેટમાં સ્પર્ધાત્મક બની રહેવા માટે વધુ સજ્જ બની રહ્યું છે.
સુત્રોનું કહેવું છે કે 10 ક્લસ્ટર્સમાં કામગીરીનું એકત્રીકરણ કરવાની વ્યાપક કામગીરી સાથે બિઝનેસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ક્લસ્ટરમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, દિલ્હી અને રાજસ્થાન, યુપી ઇસ્ટ અને યુપી વેસ્ટ, આસામ અને ઉત્તર પૂર્વ, કોલકત્તા તથા બંગાળના અન્ય હિસ્સા, ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ અને તેલંગાણા, કેરળ અને તમિળ નાડુ, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢ, ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર તથા ગોવા સામેલ છે.
વધુ સારી કાર્યક્ષમતાઓ માટે આ પ્રક્રિયાના ભાગરૂપે ફંક્શન્સ અને એન્ટરપ્રાઇઝ બિઝનેસને વર્ટિકલાઇઝ્ડ કરાઇ રહ્યો છે.
આ ફેરફાર અંગે ગોપનિય સુત્રોએ જણાવ્યું હતું કે નવું ઓપરેટિંગ મોડલ કાર્યક્ષમતામાં વધારો કરશે અને પરિણામે માર્કેટમાં વોડાફોન આઇડિયાની સ્પર્ધાત્મક સ્થિતિ વધુ મજબૂત બનશે. સુત્રોએ જણાવ્યું હતું કે, વોડાફોન આઇડિયા કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે તેના સર્કલ ઓપરેશન્સને મજબૂત બનાવી રહ્યાં છે તેમજ સપ્ટેમ્બર 2018માં વોડાફોન-આઇડિયાના મર્જર બાદ લાંબી એકીકરણની કવાયત પૂર્ણતાને આરે છે. આ સાથે કંપની પાસે લગભગ બેગણું 4જી કવરેજ છે, જે તમામ રાજ્યોના એક અબજ ભારતીયો સુધી પહોંચ્યું છે.
આ પહેલાં કંપનીએ કહ્યું હતું કે તે જૂન 2020 સુધીમાં નેટવર્ક એકીકરણની કવાયત પૂર્ણ કરશે તેમજ સુત્રોએ જણાવ્યું હતું કે વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ) તેના લક્ષ્યની દિશામાં આગળ વધી રહ્યું છે. લગભગ બે વર્ષ પહેલાં થયેલા મર્જર બાદ વીઆઇએલે ગ્રાહકોનો અનુભવ સરળ બનાવવા ઓપરેશનના ડી-ડુપ્લીકેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વધુ અસરકારક ઓપરેટર બન્યું છે, તેમ અન્ય એક સુત્રએ ઉમેર્યું હતું. સુત્રોના કહેવા અનુસાર સર્કલ એકત્રીકરણ અંગે આંતરિક જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે.
કંપનીને વિશ્વાસ છે કે તેની પાસે પ્રતિભાશાળી કર્મચારીઓ છે અને આંતરિક રીતે નવી જગ્યાઓ ભરી દેશે. નવા માળખામાં મોટી અને એકીકૃત ભુમિકાઓ રહેશે, જે મોટી સંખ્યામાં આંતરિક સ્રોતો માટે વૃદ્ધિની તકો પૂરી પાડશે, તેમ એક સુત્રએ જણાવ્યું હતું. છેલ્લાં 12થી 18 મહિનામાં સિનિયર પોઝિશન સાથેની મોટાભાગની જગ્યાઓ પ્રમોશન દ્વારા આંતરિક ધોરણે જ ભરવામાં આવી છે.
ઉદ્યોગના જાણકારોનું કહેવું છે કે વોડાફોન આઇડિયાએ કોરોના વાઇરસ મહામારી દ્વારા પેદા થયેલા લોકડાઉન દરમિયાન ગ્રાહકોની ડેટા અને વોઇસની જરૂરિયાતોને પૂર્ણ કરી છે.