વોડાફોન-આઇડિયા બંધ થઈ જશે તેવી અટકળોએ જોર પકડયું
મુંબઇ, જો તમે વોડાફોન-આઈડિયાના ગ્રાહક છો તો તમારા માટે બહુ જ ખરાબ સમાચાર છે. કંપની બંધ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ એ પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કે, આગામી મહિનાથી સામાન્ય કોલ અને ડેટા માટે વધુ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. એજીઆર એટલે કે એડજસ્ટ ગ્રોસ રેવન્યુના બોજ તળે દબાયેલ વોડાફોન આઈડિયાની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે.કંપનીને સુપ્રિમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. બની શકે છે કે, કંપની ભારતમાં ક્યારેય પણ વેપાર ધંધા બંધ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, વોડાફોન-આઈડિયાને એજીઆર માટે લગભગ ૫૩૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના છે. કંપની આ રૂપિયાને ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ચૂકી છે.
વોડાફોન-આઈડિયાને કારણે ટેલિકોમ સેક્ટર મોટા સંકટમાં મૂકાઈ ગયું છે. બંને કંપનીઓ માટે અસ્તિત્વ બચાવવું જરૂરી બની ગયું છે. વોડાફોનને ૫૩,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના છે. આ રકમ કોઈ મામૂલી રકમ નથી, જે કોઈ કંપની સરળતાથી ચૂકવી શકે. આ કંપનીઓનું માનીએ તો તેમની પાસે સરકારને ચૂકવવા માટે આટલા રૂપિયા નથી. જાણકારોનું કહેવું છે કે, કંપની હજી પણ પોતાનો કારોબાર સમેટાઈ લેવાની જાહેરાત કરી શકે છે.
આ કેસ સાથે જોડાયેલ લોકોનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટે સંકેત આપતા કહ્યું કે, ટેલિકોમ કંપનીઓને બાકી એજીઆર ચૂકવવા માટે કોઈ રાહત મળવાની નથી. સરકારે કંપનીઓને ૨૦ વર્ષ સુધી રૂપિયા વસૂલવાનો એક પ્લાન બનાવી લીધો છે. પરંતુ સુપ્રિમ કોર્ટે આ પર નારાજગી વ્યક્ત કરી છે. ટેલિકોમ કંપની સાથે જોડાયેલ એક એક્સપર્ટનું કહેવુ છે કે, બાકી રકમ ચૂકવવા માટે કોર્ટ પાસેથી વધુ સમય મળવાની આશા ન રાખી શકાય.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ નુકસાન સામે ઝઝૂમી રહેલા ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે અને ટેરિફના ભાવ ૪૦ ટકા સુધી વધારી દીધા છે. સુપ્રિમ કોર્ટથી રાહત મળી નથી રહી. આ વચ્ચે શક્યતા છે કે, કંપની ફરીથી પોતાના મોબાઈલ ટેરિફ વધારી દે.