વોડાફોન કંપનીનાં બેંક ખાતામાંથી ૯૪.પ૭ લાખ રૂપિયા ઉસેટનાર એક આરોપી ઝડપાયો
વોડાફોન કંપનીનાં બેંક ખાતામાંથી ૯૪.પ૭ લાખ રૂપિયા ઉસેટનાર એક આરોપી ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ, વોડાફોન કંપનીના બેંક એકાઉન્ટમાંથી થોડા દિવસ અગાઉ ૯૪ લાખથી વધુની રકમની છેતરપીંડી થઈ હતી. આ અંગે સાયબર ક્રાઈમને ફરીયાદ મળતાં તુરંત સક્રીય થઈ તેમણે બિહાર રાજયમાંથી ગુનામાં સામેલ એક આરોપીને ઝડપી લીધો છે અને તેની પાસેથી કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શહેરની વોડાફોન કંપનીનું બેંક ખાતુ નુતન બેંકમાં આવેલું છે. કેટલાંક દિવસો અગાઉ કંપનીના બેંક ખાતામાંથી રૂપિયા ૯૪.પ૭ લાખ બારોબાર ઉપડી જતાં અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવતા જ એક ટીમ આ ગુનો શોધવા સક્રીય થઈ હતી જેમાં કંપનીનો બેંકમાં આપેલો ફોન નંબર બદલી ઈમેઈલ હેક કર્યા બાદ કોઈક રીતે યુઝર નેમ તથા પાસવર્ડ મેળવ્યા બાદ ૯૪.પ૭ લાખની રકમ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કર્યાનું ખુલ્યુ હતું જે અંગે પીઆઈ એમ.એચ. પુરવારની ટીમે તપાસ કરતા છેડો બિહાર સુધી પહોંચતા તેમણે ટીમ સાથે મુર્ગીયા ગામ, ગયા જીલ્લામાંથી ગુલશન તનીકસીંગ (ર૧) નામના આરોપીને ઝડપીને તેની પાસેથી ૪ મોબાઈલ ફોન ઉપરાંત કેટલાંક દસ્તાવેજાે જપ્ત કર્યા છે. આ ગુનામાં અન્ય કેટલાક સંડોવાયેલા હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.