વોડા આઈડિયાની નવી દરખાસ્ત સુપ્રિમે ફગાવી

મુંબઈ:સુપ્રિમ કોર્ટે આજે કઠોર વલણ અપનાવીને દિવસના અંત સુધી ૨૫૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવાની વોડાફોન-આઈડિયાની દરખાસ્તને ફગાવી દીધી હતી. એજીઆર દેવા સામે શુક્રવાર સુધી બીજા ૧૦૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવા સુપ્રિમ કોર્ટે તૈયારી હોવાની વોડાફોન-આઈડિયાની દરખાસ્ત સ્વીકારી ન હતી. તેમની સામે કોઈ કઠોર પગલા ન લેવાની માંગ કરતી અપીલને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટીસ અરુણ મિશ્રાના નેતૃત્વમાં બેચે વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગી દ્વારા આપવામાં આવેલી દરખાસ્તને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
આ મામલાનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ વોડાફોન તરફથી ઉપસ્થિત રહેતા મુકુલ રોહતાગીની રજુઆત ફગાવી દેવામાં આવી હતી. રોહતાગીએ વોડાફોન-આઈડિયા તરફથી રજુઆત કરતા કહ્યું હતું કે તેઓ આજે સોમવાર સુધી ૨૫૦૦ કરોડ રૂપિયા અને શુક્રવાર સુધી બીજા ૧૦૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવા માટે તૈયાર છે પરંતુ કંપની સામે કોઈ પગલા લેવા જાઈએ નહીં. વોડાફોન તરફથી સરકાર સમક્ષ બેન્ક ગેરન્ટીની વાત પણ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે શુક્રવારના દિવસે ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓ સામે તિરસ્કાર કાર્યવાહીની ચેતવણી આપી હતી.
અગાઉના દેવામાં ૧.૪૭ લાખ કરોડ રૂપિયાની રકમ ચુકવવા તેના આદેશને નહીં પાળવા બદલ ટેલિકોમ કંપનીઓ સામે તિરસ્કારની કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. સુપ્રિમ કોર્ટના આ આદેશની સાથે જ સરકારે પણ ટેલિકોમ કંપનીઓ પર લાલ આંખ કરી હતી. ત્યારબાદ ભારતી એરટેલ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે વૈધાનિક દેવાને ધ્યાનમાં લઈને ટેલિકોમ વિભાગને ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું છે કે તે આત્મ મૂલ્યાંકનની કવાયત હાથ ધર્યા બાદ બેલેન્સ પેમેન્ટની ચુકવણી કરશે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ હજાર કરોડ રૂપિયાની આ રકમ ભારતી એરટેલ, ભારતી હેક્સાકોમ અને ટેલિનોર તરફથી ચુકવી દેવામાં આવી છે.