વોર્ડમાં કોવીડ રસીકરણની લખનભાઇની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસે પણ નોંધ લીધી
દાહોદનાં નગરસેવકે પોતાના વોર્ડને કોરોનાથી સુરક્ષિત કરવા કમર કસી
આર્થિક સંકડામણને કારણે ધોરણ ૧૧ સુધી જ અભ્યાસ કરી શકેલા લખનભાઇએ માત્ર દોઢ માસમાં સીલાઇ કામ શીખી દૂકાન શરૂ કરી હતી
(પ્રતિનિધિ દેવગઢબારીઆ), એવું બને જ નહીં કે તમે રાત્રે ગમે ત્યારે ફોન કરો અને સામેથી પહેલી જ રિંગમાં ફોન ઉપડ્યો ના હોય ! રાત્રે કોઇ મુશ્કેલી હોય, દવાખાનાનું કામ હોય, કોઇનું મૃત્યુ થયું હોયને આનુષાંગિક વ્યવસ્થા હોય, એટલું નહી ઘરમાં કોઇ ચોર ઘુસી આવ્યો હોય કે મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ કઢાવવાનું હોય !
કામ ગમે તેવું હોય આ નગરસેવકને તમે એક ફોન કરો એટલે તુરંત હાજર ! તમારૂ કામ પણ સરળતાથી કરી આપે ! આ વાત છે દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ના નગરસેવક શ્રી લખનભાઇ રાજગોરની. આ નગરસેવકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ‘મારો વોર્ડ, કોરોનામુક્ત વોર્ડ અભિયાન’ને સારી રીતે ઝીલી લીધું છે.
લખનભાઇએ તેમના વોર્ડમાં કોવીડ રસીકરણ સહિતની કામગીરીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ, લંડને પણ નોંધ લીધી છે અને તેમને સર્ટીફીકેટ ઓફ કમીટમેન્ટ આપીને સન્માનિત કર્યા છે. લખનભાઇએ તેમના વિસ્તારમાં વિવિધ ૯ જેટલા વેક્સિનેશન કેમ્પ યોજયા હતા અને લોકોને ઘરેઘરે જઇને વેક્સિન લેવા સમજાવ્યા હતા. તેમના વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને વેક્સિનેશન કેમ્પને કારણે અહીંના ૭૦ ટકા જેટલા લોકોએ વેક્સિન લઇ લીધી છે. ગોદી રોડ વિસ્તારમાં ૧૮ થી ઉપરની વયના ૨૦૮૪૩ લોકોમાંથી ૧૫૪૮૭ લોકોએ વેક્સિન લઇ લીધી છે.
લખનભાઇની કામગીરી વિશે વધુ પરીચય મેળવીએ. અઢી દાયકા પૂર્વેથી તેમની સેવાની યાત્રા શરૂ થઇ. સામાન્ય આર્થિક અને પારિવારિક પાશ્ચદભૂ ધરાવતા લખનભાઇના પિતા ખેડૂત અને પશુપાલક. આર્થિક સંકડામણને કારણે ધોરણ ૧૧ સુધી જ અભ્યાસ કરી શકેલા લખનભાઇએ માત્ર દોઢ માસમાં સીલાઇ કામ શીખી દૂકાન શરૂ કરી.
તેમની દૂકાને દાહોદ નગરપાલિકાના તે વખતના પ્રમુખ શ્રી મહેશભાઇ દેસાઇની બેઠક. ત્યાંથી જ સેવાનું કામ શરૂ થયું. હાલમાં તેઓ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ છે.
મૃત્યુના નોંધણીપત્રક પોતે જ કરાવી આપે. દુઃખ પ્રસંગવાળા ઘરને કોઇ બેસણું કે તેને લગતા પ્રસંગ માટે સફાઇ સહિતની વ્યવસ્થા તેઓ અચૂક કરાવી આપે. વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આવાસ યોજનાનો ૧૮ પરિવારને લાભ અપાવ્યો છે. આ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં તેઓ નિમિત્ત બન્યા. અનેક ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજનાનો પણ લાભ અપાવ્યો છે.*