વોર્નર અંતિમ વનડે અને ટી-૨૦ સિરીઝમાં નહીં રમી શકે
સિડની: ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝની બાકી મેચોમાંથી બહાર થઈ ગયો છે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન તેને ગ્રોઇનમાં ઈજાને કારણે મેદાન છોડી બહાર જવુ પડ્યું હતું. ૩૪ વર્ષીય વોર્નર હવે બુધવારે રમાનારી ત્રીજી વનડે સિવાય ત્રણ મેચોની ટી૨૦ સિરીઝમાં રમશે નહીં. તે ઘરે પરત ફર્યો છે, ત્યાં રિહેબ કરશે.
માનવામાં આવી રહ્યું છે કે તે ૧૭ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ સુધી ફિટ થઈ જશે. ડેવિડ વોર્નર સિવાય પેટ કમિન્સને પણ ભારત વિરુદ્ધ બાકી એક વનડે અને ટી૨૦ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. વોર્નરના સ્થાને ડાર્સી શોર્ટને ટી૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી૨૦ સિરીઝની પ્રથમ મેચ ૪ ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ બીજી અને ત્રીજી મેચ અનુક્રમે ૬ અને ૮ ડિસેમ્બરે રમાશે.
પેટ કમિન્સને કોઈ ઈજા નથી. તેને એડિલેડ ઓવલમાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટ પહેલા આરામ આપવામાં આવ્યો છે. તે સતત રમી રહ્યો છે. તે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ આઈપીએલમાં રમ્યો હતો. તો ભારત સામે સિરીઝ જીત બાદ ટીમ મેનેજમેન્ટે કમિન્સને આરામ આપવાનો ર્નિણય લીધો છે. વોર્નરને ભારતીય ઈનિંગની ચોથી ઓવરમાં ડાઇવ કર્યા બાદ ઉઠવામાં મુશ્કેલી થઈ, ત્યારબાદ તે સિડની ક્રિકેટ મેદાનથી બહાર ગયો હતો. આ સીનિયર ખેલાડીને સ્કેન કરાવવા માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.