વોલ્વામાં ગામમાં જમીન બાબતે ઝઘડો કરી જાતિવિષયક શબ્દો બોલતાં ફરિયાદ
મોડાસા નજીક આવેલ વોલ્વા ગામની જમીન બાબતે કેટલાક ઈસમોએ અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને આ જમીન કેમ વેચાણ રાખી છે તેમ કહી પાંચ જણાએ એક સંપથઈ ગાળો બોલી અને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલતાં ફરિયાદીએ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ પાંચ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ૨૩-૧૧-૧૯ના રોજ વોલ્વા ગામની સીમમાં આવેલ સરવે નં-૨૦૧ જેનો જુનો સરવે નં-૧૬૫ છે જે જમીન બ્લોક ફેક્ટરી નવી વસાહતના ભાનુભાઈ હીરાભાઈ રાઠોડે વેચાણ લીધી હતી. જે અંગે ખલીકપુરના ડાહ્યાભાઈ હીરાભાઈ ખાંટ, હિતેશભાઈ ડાહ્યાભાઈ ખાંટ, કાન્તીભાઈ ડાહ્યાભાઈ, વિજયભાઈ અમરાભાઈ અને ઈશ્વરભાઈ અમરાભાઈએ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ થઈને ભાનુભાઈને આ જમીન કેમ વેચાણથી લીધી છે
તેમ કહી ગાળો બોલી હતી અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા.આ અંગે ફરિયાદી ભાનુભાઈએ મોડાસા ટાઉન પોલીસ મથકમાં જાણ કરી ફરિયાદ આપતાં મોડાસા ટાઉન પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.