વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ નજીક અંધાધૂંધ ફાયરિંગ, એકનું મોત અને ૫ ઘાયલ
વોશિંગ્ટન, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં જાહેરમાં રસ્તા પર ફાયરિંગની ઘટના ઘટી છે. રોયટર્સે સ્થાનિક મીડિયાના રિપોર્ટના હવાલે આપેલી જાણકારી મુજબ આ ફાયરિંગમાં અનેક લોકોને ગોળી વાગી છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ જે જગ્યાએ ફાયરિંગ થયું છે તે અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસથી માત્ર ૩ કિમી દૂર છે. છેલ્લે મળતી માહિતી મુજબ આ ફાયરિંગની ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે ૫ લોકો ઘાયલ થયા છે.
અમેરિકામાં ફાયરિંગની સતત ઘટનાઓ ઘટી રહી છે. અમેરિકી રાજ્ય લુઈસિયાનામાં ૮ સપ્ટેમ્બરના રોજ એક બાંગ્લાદેશી પીએચડી વિદ્યાર્થીની એક ગેસ સ્ટેશન પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ વિદ્યાર્થી ત્યાં ક્લર્ક તરીકે કામ કરતો હતો. તેની જાણકારી મીડિયાએ રવિવારે આપી હતી. બીડીન્યૂઝ ૨૪ના અહેવાલ મુજબ મોહમ્મદ ફિરોઝ ઉલ અમીન (૨૯) લુઈસિયાના સ્ટેટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.
આ જ મહિને ૧ સપ્ટેમ્બરના રોજ અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગની ઘટના ઘટી હતી. અંધાધૂંધ ફાયરિંગમાં પાંચ લોકોના મોત થયા હતાં અને ૨૧ લોકો ઘાયલ થયા હતાં. સુરક્ષા અધિકારીઓએ જો કે હુમલાખોરને ઠાર કર્યો હતો. સંદિગ્ધની ઉંમર ૩૦ વર્ષની હોવાનું જણાવાયું હતું. સંદિગ્ધે ઓડેસા અને મિડલેન્ડમાં શોપિંગ સેન્ટર્સ પર દુકાનદારો અને વાહનોને પોતાનું નિશાન બનાવ્યાં હતાં.
આ ઉપરાંત ગત મહિને જ એક બંદૂકધારીએ વેસ્ટ શિકાગોમાં એક સ્ટ્રીટ પાર્ટીમાં હાજર ૧૦૦થી વધુ લોકોની ભીડ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૬ લોકો ઘાયલ થયા હતાં. કહેવાય છે કે પાર્ટીમાં ઝઘડો થયો અને ત્યારબાદ કોઈએ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું.