Western Times News

Gujarati News

વ્યક્તિએ ડાયાબિટિસથી બચવા માટે ખાન-પાન અને લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો જરૂરી છે : રાજ્યપાલ

દરેક વ્યક્તિએ સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઇએ -સ્વસ્થ શરીર આપણા માટે સુખનું સાધન છે-ડાયાબિટિસનું કારણ લાઇફ સ્ટાઇલમાં આવેલા મોટા બદલાવ છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતુ કે,ડાયાબિટિસ કોઇ નવી બીમારી નથી એ સદીઓથી ચાલતી આવતી બીમારી છે. જ્યારે વ્યક્તિ આળસું બને છે ત્યારે આ બીમારી તેના જીવનમાં ઘર કરી જાય છે. આજે લાઇફ સ્ટાઇલમાં આવેલા મોટા બદલાવને કારણે આ બીમારી વધુમાં વધુ લોકોમાં ફેલાઇ રહી છે.  આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે ડાયાબિટિસથી બચવા માટે આજે દરેક વ્યક્તિએ સાત્વિક ભોજન લેવાનો આગ્રહ પણ રાખવો જોઇએ. કેમ કે સ્વસ્થ શરીર આપણા માટે સુખનું સાધન છે.

પંડિત દિનદયાલ ઓડિટોરિયમમાં ‘મેટાબોલિક ડિઝિઝ’ પર આયોજીત બે-દિવસિય ઇન્ટરનેશનલ કોન્ફરન્સને ખુલ્લી મુકતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતુ કે, આજે સ્વાસ્થ્ય પર સૌથી વધારે ખર્ચ થઇ રહ્યો છે તેમ છતાંય લોકોની ભીડ પણ હોસ્પિટલમાં ઓછી નથી થઇ રહી. આ સમસ્યાનું માત્ર એક જ કારણ લોકોની જીવનશૈલીમાં આવેલું મોટું પરિવર્તન છે.
રાજ્યપાલ શ્રીએ વધુમાં જણાવ્યું કે, વ્યક્તિઓ પ્રકૃતિના સિદ્ધાંતથી વિપરીત રહીને પોતાની જીવનશૈલી અપનાવી છે, જેના કારણે આજે બીમારીઓ લોકોના જીવનમાં ઘર કરી રહી છે. આ બીમારીને અટકાવવા માટે દરેક વ્યક્તિએ સવારે યોગ કરવા જોઇએ અને બને એટલું ચાલવાનું રાખવું જોઇએ.

રાજ્યપાલ શ્રીએ આયુર્વેદનું ઉદાહરણ આપતા કહ્યું કે, આયુર્વેદ કહે છે કે આપણે એજ ભોજનનું સેવન કરવું જોઇએ જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ખેડૂતોના સંદર્ભમાં તેમણે કહ્યું કે, આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, જેનાથી આવનારી પેઢીને સ્વસ્થ ભોજન મળી રહેશે. રાજ્યપાલ શ્રીએ કહ્યું કે, આજે ગુજરાતભરમાં મેં પ્રાકૃતિક ખેતીનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૨૫,૦૦૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનિંગ આપવામાં આવી છે અને આ સપ્તાહમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે.

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે ‘હોલિસ્ટિક હેલ્થ ફોર હેપ્પીનેસ’ પ્રોજેક્ટનું વિમોચન અને સમાજમાં યોગદાન આપવા બદલ ડોક્ટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ‘સ્વાસ્થ કોન-૨૦૨૦’ના ચેરમેનશ્રી મયુર પટેલ, પ્રમુખ શ્રી યશ પટેલ તેમજ ૨૦૦૦થી વધુ દેશ-વિદેશના ડોક્ટર્સ અને ડિલેગટ્સ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.