વ્યાજખોરે પૈસા લેનારના ઘર જઈને ધમકી આપી

અમદાવાદ: અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં કન્સ્ટ્રકશનના વેપાર સાથે સંકળાયેલા એક વ્યક્તિએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિએ ઘાટલોડિયા એક વ્યક્તિ પાસેથી ૧૨ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને બાદમાં વ્યાજખોરે મકાન લખાવી લીધું હતું અને આ વ્યક્તિના ઘરે જઇને આપઘાત કરવાની ધમકી આપતો હતો.
જેથી સમગ્ર બાબતને લઈને સાબરમતી પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય કાર્તિકભાઈ કન્સ્ટ્રકશન કામ કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. તેઓ છેલ્લા છ વર્ષથી નવા મકાન બનાવવાનું તેમજ રિનોવેશનનો કોન્ટ્રાક્ટ રાખી કન્સ્ટ્રકશનનું કામ કરે છે. વર્ષ ૨૦૧૭માં નરેશભાઈ સાથે તેમની ઓળખાણ થઈ હતી અને તે સમયે તેઓને ધંધા માટે રૂપિયાની જરૂર હોવાથી નરેશ શાહને વાત કરી હતી.
જે બાદ નરેશભાઈએ કાર્તિકભાઈને ભીખાભાઈ બારોટ વ્યાજે રૂપિયા આપતો હોવાનું જણાવ્યું હતું. ઘાટલોડિયામાં રહેતો ભીખાભાઈ બારોટને કાર્તિકભાઈ વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં મળ્યા હતા અને ત્યારબાદ રૂપિયાની જરૂર છે તેમ કહી તેમની પાસે ૧,૩૫,૦૦૦ રોકડા લીધા હતા. કાર્તિકભાઈએ ગેરન્ટીમાં ચેક આપ્યો હતો અને ૧૦ ટકા વ્યાજે રૂપિયા લઇ એક મહિનામાં એક લાખ પચાસ હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. બાદમાં તેઓએ ટુકડે-ટુકડે આઠ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને દર મહિને તેનું ૮૦ હજાર વ્યાજ કાર્તિકભાઈ ચૂકવતા હતા.
સાતેક મહિના સુધી આઠ લાખનું વ્યાજ કાર્તિકભાઈએએ આપ્યું હતું. બાદમાં બીજા ૪ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. આમ કુલ ૧૨ લાખ રૂપિયા કાર્તિકભાઈએ ભીખાભાઈ પાસેથી લીધા હતા. કાર્તિકભાઈએ થોડું ઘણું વ્યાજ ચૂકવીને બાદમાં ભીખાભાઈને વ્યાજ આપી શક્યા ન હતા. બાદમાં ભીખાભાઈએ કાર્તિકભાઈ પાસેથી નોટરીનું લખાણ કરાવી ત્રણ વર્ષ સુધીમાં ભીખાભાઈને ૧૬ લાખ રૂપિયા ચૂકવવાના હોવાનું લખાણ કરાવ્યું હતું. બાદમાં વ્યાજ ન ચૂકવી શકતા કાર્તિકભાઈનું મકાન વ્યાજખોરે લખાવી લીધું હતું
મકાનનું દર મહિને ૭,૦૦૦ ભાડું આપવાનું નક્કી કર્યું હતું. બાદમાં ભીખાભાઈએ કાર્તિકભાઈ પાસે લખાણ કરાવ્યું કે તેઓ કાંતિભાઈના ધંધામાં ભાગીદારી પાસે રૂપિયા આપેલા છે. થોડા સમય બાદ ભીખાભાઈએ તેમના ગાંધીનગર ખાતેના મકાનનું રિનોવેશન કાર્તિકભાઈ પાસે કરાવ્યું હતું, જેના ૧૧ લાખ રૂપિયા કાર્તિકભાઈએ ચૂકવ્યા હતા. બાદમાં દિવાળીના સમયે ભીખાભાઈ કાર્તિકભાઈના ઘરે આવ્યા હતા
જણાવ્યું કે પાંચ લાખ રૂપિયાની જરૂર છે. જાેકે, કાર્તિકભાઈએ રૂપિયા ન હોવાનું કહેતા અવારનવાર ભીખાભાઈ કાર્તિકભાઈના ઘરે આવી આત્મહત્યા કરી લેવાની ધમકી આપતો હતો. કાર્તિકભાઈને રૂપિયા નહીં આપે તો ઘરે આવીને આત્મહત્યા કરીશ એવી ભીખાભાઈએ ધમકી આપતા આખરે કાર્તિકભાઈએ આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.