વ્યાજખોરે મકાન પચાવવાની ધમકી આપતાં મહીલા ઝેરી દવા પી કમિશ્નર ઓફીસે પહોંચી
(પ્રતિનિધિ) અમદાવાદ: લોકડાઉન દરમિયાન વ્યાજના ચક્કરમાં ફસાયેલા નાગરીકો રૂપિયા આપી ન શકતા વ્યાજખોરો માનસિક ત્રાસ આપી રહયા છે. આવી કેટલીય ઘટનાઓ લોકડાઉનના નિયમો હળવા કર્યા બાદ સામે આવી રહી છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે મજુરી કરીને ઘર ચલાવતી મહીલા વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડવાની પેરવી કરતા મહીલાએ ભીંસમાં આવી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આ ઘટના બાદ સાબરમતી પોલીસે વ્યાજખોર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત એવી છે કે શાકભાજીની લારી ફેરવતા કંકુબેન ફુલજીભાઈ નામની મહિલા રામાપીરના મંદીરની બાજુમાં મોટેરા રોડ સાબરમતી ખાતે રહે છે આશરે એક વર્ષ અગાઉ પુત્રીના લગ્ન કરવા તેમણે બેંકમાંથી લોન લીધી હતી લોન ભરપાઈ કરવા તેમને જરૂર પડતાં સુરેશ મારવાડી (રહે. ભીલવાસ, તપોવનની ચાલી, સાબરમતી) પાસેથી ૧૦ ટકાના વ્યાજે પ૦ હજાર રૂપિયા લીધા હતા.
ઉપરાંત તેમની જેઠાણી ચંપાબેન પાસેથી પણ આજે રપ હજાર રૂપિયા લીધા હતા જેનું વ્યાજ તે ચુકવતા હતા દરમિયાન લોકડાઉન થતાં તે વ્યાજ ચુકવી ન શકતા સુરેશ અવારનવાર તેમને પરેશાન કરતો હતો અને રૂપિયા ન આપે તો કંકુબેન અને તેમના જેઠાણીના મકાનને તાળું મારી દેવાની ધમકીઓ આપતો હતો.
ગઈકાલે ફરીથી સવારે દસ વાગ્યે સુરેશ તેમના ઘરે આવીને સાંજ સુધી વ્યાજના રૂપિયા જાઈએ છે નહી આપો તો જાવા જેવી થશે તેવી ધમકીઓ આપતા કંકુબેન તણાવમાં આવી ગયા હતા અને બપોરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. બાદમાં શાહીબાગ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતા જયાં બેભાન થઈ જતા તેમને હોસ્પીટલમાં લઈ જવાયા હતા ભાનમાં આવતા તેમની આપવીતી જણાવતા સાબરમતી પોલીસે સુરેશ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.