વ્યાજખોરોએ યુવકને ફટકાર્યો અને પોલીસે મારામારીની ફરિયાદ નોંધી
અમદાવાદ, શહેરમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને કેટલાક લોકો આપઘાત કરે છે તો કેટલાક લોકો ઘર છોડીને જતા રહે છે અને કેટલાક લોકોને વ્યાજખોરોનો માર પણ સહન કરવો પડતો હોય છે. આવો જ એક કિસ્સો કુબેરનગર વિસ્તારમાં બન્યો છે જ્યાં વ્યાજખોરોએ બે ભાઇઓને અલગ અલગ દિવસે માર માર્યો છે.
આ ઘટનામાં પોલીસે માત્ર મારામારીની ફરિયાદ નોંધીને વ્યાજખોરોને બચાવી લીધા હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે. ઘાયલ થયેલો યુવક તેમજ તેની માતાએ પોલીસને વ્યાજના ચક્કરમાં માર માર્યો હોવાનું કહ્યું હોવા છતાંય પોલીસે માત્ર જાણવા જાેગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
કુબેરનગર જી વોર્ડમાં રહેતા દીપક ખંડવાણી અને તેના ભાઇ રાજેશ ખંડવાણીએ એક વર્ષ પહેલા ભરવાડ બંધુઓ પાસેથી વીસ હજાર રૂપિયા વ્યાજ પર લીધા હતા. દર મહિને બંને ભાઇઓ ચાર હજાર રૂપિયા વ્યાજ ચુકવતા હતા. શનિવારના દિવસે હિતેશ ભરવાડ, બાબુ ભરવાડ અને મનુભાઇ ભરવાડે દીપક ખંડવાણીને વ્યાજ નહીં આપવા બાબતે માર માર્યો હતો.
ત્યારબાદ દીપકની માતા અને તેનો ભાઇ રાજેશ હિેશના ઘરે ગયા હતાં, જ્યાં તેમને સમજાવ્યા હતા કે તહેવાર હોવાથી એકાદ બે દિવસ પછી રૂપિયા આપી દઇશું.
બંનેની વાત સાંભળતાની સાથે ત્રણેય જણા તેમજ તેમના મિત્રો રાજેશ ઉપર તૂટી પડ્યા હતા. મૂઢ માર માર્યા બાદ રાજેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના પોલીસ ટેબલ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ સરદારનગર પોલીસને વર્ધી આપી હતી.
સરદારનગર પોલીસે રાજેશની ફરિયાદ લીધી નહીં. જેથી તેમની માતાએ બે વખત પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા. ત્યાર બાદ કમિશનર કચેરીએ ગયા હતા. રાજેશની માતા પોલીસ કમિશનર કચેરીએ ગયા બાદ સરદારનગર પોલીસે માત્ર મારામારીની ફરિયાદ નોંધી હતી. તેની માતાએ આક્ષેપ કર્યો છે કે પોલીસને વ્યાજની તમામ જાણકારી આપી હોવા છતાંય ફરિયાદમાં કોઇ ઉલ્લેખ કર્યો નથી.