વ્યાજખોરોના ત્રાસથી યુવાને ફિનાઇલ ગટગટાવી લીધું
અમદાવાદ: શહેરના પૂર્વમાં વધુ કેટલાક વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે. રિક્ષા ચાલક ફરિયાદી રૂપિયા પરત ન કરી શકતા વ્યાજખોરોએ ગોળી મારી દેવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવાને ફિનાઇલ પી લીધું છે. સૈજપુર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રાજાભાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, તેમને અજિત સિંધી પાસેથી દર મહિને ૫૦૦૦ વ્યાજે રૂપિયા ૨૫ હજાર લીધા હતા. પીન્ટુ પાસેથી રૂપિયા ૧૦ હજાર લીધા હતા અને નિખિલ સિંધી પાસેથી રૂપિયા ૫૦ હજાર લીધા હતા. જેમાં નિખિલે ૫ હજાર રૂપિયા પહેલા કાપી લીધા હતા અને બીજા રૂપિયાના રોજના ૫૦૦ લેખે સો દિવસ સુધી ચૂકવવાના હતા.
જોકે, લૉકડાઉન આવી જવાથી ફરિયાદી આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હતા. જેથી તે વ્યાજખોરોને રૂપિયા ચૂકવી ન શકતા અજિત, નિખિલ અને તેના પિતા તેને વારંવાર રૂપિયા માટે દબાણ કરતા હતા અને ધમકી ઓ પણ આપતા હતા. એટલું જ નહિ, નિખિલ અને તેના પિતાએ ફરિયાદીને મેઘાણીનગર પોલીસ સ્ટેશનની બહાર બોલાવીને ધમકી આપી હતી કે, તું મારી મૂડી અને વ્યાજના રૂપિયા આપી દે નહીં તો તારી સામે પોલીસ ફરિયાદ કરીશું.
અને જો પૈસા નહિ આપે તો ગોળી મારી દઈશું. બાદમાં ૨૦મી સપ્ટેમ્બરની મોડી સાંજે નિખિલના કાકા કમલેશ સિંધીએ ફરિયાદીને ફોન કરી નિખિલના પૈસા આપી દે નહિ તો ખોટા કેસમાં ફસાવી દઈશ, જાન થી મારી નાખીશ. એવી ધમકી આપી હતી. જેથી કંટાળી ને ફરિયાદી એ ફિનાઇલ પી લીધું હતું. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.