વ્યાજખોર સગી બહેનનો ભાઈ પર અત્યાચાર
જમાલપુરમાં બનેલો ચોંકાવનારો બનાવ : ઉઘરાણી કરવા આવેલાં ત્રણ શખ્સોએ યુવક ઉપર હુમલો કરી સ્કૂટર પડાવી લીધું
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લાં છ મહિનાથી વ્યાજખોરોનો આતંક ખૂબજ વધી ગયો છે. જેનાં કારણે અનેક કુટુંબો બરબાદ થઈ ગયાં છે. જ્યારે કેટલાંક ભોગ બનનાર નાગરીકોએ અંતિમ પગલું પણ ભરી લીધું છે. વ્યાજના ચુંગાલમાં ફસાયેલાં લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.
શહેર પોલીસ કમિશનરે વ્યાજખોરો સામે પાસાં સહિતની કાર્યવાહી કરવાનો આદેશ આપવા આવ્યો હોવા છતાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે વ્યાજખોરો બેફામ બની ગયાં છે. શહેરનાં જમાલપુર વિસ્તારમાં સગી બહેન પાસેથી ભાઈએ વ્યાજે લીધેલાં નાણાંની પઠાણી ઉઘરાણીમાં વ્યાજખોર બહેન અને તેના સાગરીતોએ યુવક ઉપર અત્યાચાર ગુજારી તેનું વાહન કબ્જે કરવા ઉપરાંત તેને માર મારવામાં આવતાં આખરે સગાં ભાઈએ બહેનની સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં ખાસ કરીને શ્રમિકોવ વિસ્તારોમાં છૂટક ફેરિયાઓ તથા નાના વેપારીઓ પોતાનો ધંધો ચાલુ કરવા તથા ટકાવી રાખવા માટે વ્યાજે નાણાં લીધાં હોય છે અને એક વખત નાણાં વ્યાજે લીધા બાદ વ્યાજનાં વિષચક્રમાં આવા લોકો ફસાઈ જતાં હોય છે.
નિયમોનો ભંગ કરીને વધુ પડતું વ્યાજ લેવામાં આવતું હોવાથી તેને પરત ચુકવવું મુશ્કેલ બની જતું હોય છે. કેટલાંક વિસ્તારોમાં રૂપિયા ચૂકવી દેવા હોવા છતાં વ્યાજખોરો દ્વારા ઉઘરાણી ચાલુ રાખવામાં આવતી હોય છે અને મિલ્કતો પણ પચાવી પાડવામાં આવે છે. આ સંખ્યાબંધ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાયેલી છે. વ્યાજખોરો સામે લખતર કાર્યવાહી નહીં કરાતાં હવે વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ આવી ફરિયાદો નોંધાવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને તાજેતરમાં જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે પાસાંની કામગીરી કરવા પણ જણાવવામાં આવ્યું છે.
તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા દાખવવામાં આવતી નિષ્ક્રિયતાથી ચોંકાવનારી ઘટનાઓ ઘટી રહી છે. જમાલપુર વિસ્તારમાં રહેતાં અસલમભાઈ જમાલપુર બ્રિજ નીચે ફ્રુટની લારી ચલાવી પરિવારનું ભરણપોષણ કરી રહ્યાં છે. છૂટક ધંધો કરી પરિવારનું ભરણપોષણ કરતાં હોવાથી તેમની સ્થિતિ સામાન્ય છે.
ગયા વર્ષે અસલમભાઈએ પોતાનું આ ધંધો ચાલુ કરવા માટે જમાલપુર વિસ્તારમાં જ એફ.ડી.હાઈસ્કૂલ પાસે રહેતી પોતાની સગી બહેન સબાના સલીમભાઈ પાસેથી રૂ.૨ લાખ ૫ ટકાના વ્યાજે લીધા હતાં. આ નાણાંનું વ્યાજ દર મહિને અસલમભાઈ નિયમિતરીતે ચૂકવતો હતો.
છેલ્લાં કેટલાંક મહિનાથી અસલમભાઈનો ફ્રુટનો ધંધો બરાબર ચાલતો નહીં હોવાથી આર્થિક તંગી વર્તાતી હતી. જેનાં પરિણામે તે પોતાની બહેનને વ્યાજનાં નાણાં ચૂકવી શકતાં નહોતાં. જેનાં પગલે બહેન સબાના રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતી હતી. સબાનાએ રૂપિયાની ઉઘરાણી માટે કેટલાંક શખ્સોની રાખ્યા હતાં.
જેમાં રામોલ વિસ્તારમાં રહેતાં ઈમ્તિયાઝ, શાબાજ અને સરફરાજ નામનાં ત્રણ શખ્સો અસલમભાઈનાં ઘરે ગયાં હતા અને શબાનાના કહેવા પ્રમાણે રૂપિયાની ઉઘરાણી કરી હતી. અસલમભાઈએ ટૂંક સમયમાં રૂપિયા ચૂકવી દેવાનું જણાવ્યું હતું પરંતુ આ ત્રણેય શખ્સોએ અસલમભાઈને માર માર્યાે હતો અને તેમનું સ્કૂટર પણ પડાવી લીધું હતું. જેનાં પરીણામે અસલમભાઈ ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. એટલું જ નહીં પરંતુ સ્કૂટર પડાવી લીધા બાદ આ ત્રણેય શખ્સોએ જતાં જતાં ધમકી આપી હતી કે,
જા ટૂંક સમયમાં આ નાણાં નહીં ચૂકવી તો ઘરનો તમામ સામાન પણ ઉઠાવી લઈશુ. આ ધમકીથી અસલમભાઈ અને તેમનો પરિવાર ખૂબજ ગભરાઈ ગયાં હતાં. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં સનસનાટી મચી ગઈ હતી. સગી બહેન અને તેનાં સાગરીતો દ્વારા અપાયેલી ધમકીથી ગભરાઈ ગયેલાં અસલમભાઈએ હિંમત દાખવી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં અને ત્યાં સમગ્ર હકીકત જણાવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. સગી બહેન જ ભાઈ ઉપર અત્યાચાર ગુજારતાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનાં અધિકારીએ આ અંગે શબાના તથા ઈÂમ્તયાઝ, શાબાજ અને સરફરાજ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.