વ્યાજે લીધેલા નાણાં પરત ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ યુવકને ઢોરમાર માર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે વ્યાજખોરોનો આંતક પણ વધી રહયો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક ફેરિયાએ પોતાનો ધંધો ચાલુ કરવા માટે ર૦ ટકાએ લીધેલા નાણાં પરત ચુકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ વધુ નાણાં મેળવવા માટે આ યુવકને બોલાવી માર મારી ધમકી આપતા સનસનાટી મચી ગઈ છે. યુવકે એલ.જી.હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ અંગે ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા અમરાઈવાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા રાવના વંડામાં રહેતા વીકી કમલેશ દિવાકર નામનો ૩૦ વર્ષનો યુવક ફ્રુટની લારી ચલાવે છે બે વર્ષ પહેલા વીકી દિવાકરે પોતાનો ધંધો શરૂ કરવા માટે અમરાઈવાડી વિસ્તારમાં જ રહેતા અને શાકભાજીની લારી ચલાવતા બંટી અગ્રવાલ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા વીકીએ બંટી અગ્રવાલ પાસેથી રૂ.૩૦હજાર ૩૦ ટકાના વ્યાજે લીધા હતા આ ઉપરાંત બંટીના મિત્ર જીતુ અગ્રવાલ પાસેથી પણ રૂ.રપ હજાર અને સંજુ અગ્રવાલ પાસેથી ૧પ હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં. નાણાં વ્યાજે લેતા સમયે વીકી દિવાકરે સીકયુરીટી પેટે પોતાના ખાતાના ચેક આપ્યા હતાં.
ર૦ ટકાના દરે નાણાં લીધા બાદ વીકી એ નિયત કરેલા હપ્તાની રકમ નિયમિત ચુકવી તમામ નાણાં ચુકતે કરી દીધા હતાં અને ત્યારબાદ વીકી દિવાકરે વ્યાજખોરોને આપેલા ચેકો પરત માંગ્યા હતાં જેના પરિણામે વ્યાજખોરો ઉશ્કેરાયા હતાં. ગઈકાલે વીકી પોતાની પુત્રીને સ્કુલે મુકીને ઘરે પરત ફરી રહયો હતો આ દરમિયાનમાં બંટી અગ્રવાલનો ભાઈ લાલો ઉર્ફે નીતીન અગ્રવાલે વીકીને ફોન કરી બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે બોલાવ્યો હતો ચેક પરત આપવાના હશે તેવુ માની વીકી બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ પાસે પહોચ્યો ત્યારે બંને ભાઈઓ બંટી અને લાલો ત્યાં હાજર હતા અને તેઓએ વીકીને ધમકી આપી માર માર્યો હતો તથા વધુ નાણાંની માંગણી કરી હતી
આ દરમિયાનમાં જીતુ અગ્રવાલ અને સંજુ અગ્રવાલ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ પણ વીકીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચારેય વ્યાજખોરોએ વીકીને ઢોરમાર મારતા ભારે હોબાળો મચી ગયો હતો આ દરમિયાનમાં બાલકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા વીકીના મિત્રો દોડી આવ્યા હતા અને તેને છોડાવ્યો હતો ત્યારબાદ ઈજાગ્રસ્ત વીકીને સારવારઅર્થે એલ.જી.હોસ્પિટલમાં લઈ ગયા હતાં. હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વીકીને લઈ અમરાઈવાડી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં આરોપી બંટી, લાલો, જીતુ અને સંજુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.