વ્યાજે લીધેલા રપ લાખનાં ૮પ લાખ ચુકવ્યા છતાં માથાભારે વ્યાજખોરનો ત્રાસ
વ્યાજે લીધેલા રપ લાખનાં રૂપિયા ૮પ લાખ ચુકવ્યા છતાં માથાભારે વ્યાજખોરે તેની પાસેથી વધુ નાણાં વસુલ્યા હતા-મુળ રકમથી અનેકગણી રકમ ચુકવવા છતાં વ્યાજની માંગણી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકારે ગેરકાયદેસર રીતે વ્યાજે નાણાં ફેરવતાં શખ્શો વિરૂધ્ધ કડક કાયદા બનાવ્યા હોવા છતાં હજુ પણ કેટલાંય શખ્શો કાયદાના ડર વગર બેરોકટોક આ ધંધો ચલાવી રહયા છે.
આ સ્થિતિમાં બોપલમાં રહેતા એક યુવાનને ધંધામાં દેવું થતાં વ્યાજે લીધેલા રપ લાખનાં રૂપિયા ૮પ લાખ ચુકવ્યા છતાં માથાભારે વ્યાજખોરે તેની પાસેથી વધુ નાણાં વસુલ્યા હતા તેનું અપહરણ કરી જુદા જુદા રાજયોમાં કોલ સેન્ટર ચલાવવા મજબુર કર્યો હતો ઉપરાંત તેને મારમારી પરીવારને મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના નિકોલ પોલીસમાં ચોપડે નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે સાગર અનુપભાઈ મહેતાની (મહીધર રેસીડેન્સી, બોપલ) નામના યુવાને વર્ષ ર૦૧૬માં સીજી રોડ પર કાપડની દલાલીનો ધંધો શરૂ કર્યો હતો ઉપરાંત વિદેશી નાગરીકો માટે મેડીકલ પ્રોસેસ સેન્ટર પણ શરૂ કર્યું હતું આ ધંધો સારો ચાલ્યા બાદ એક કાપડની પેઢી ફડચામાં જતાં સાગર ઉપર રૂપિયા દોઢ કરોડનું દેવું થઈ ગયું હતું.
જેથી તેણે પોતાનું મકાન વેચીને તથા અન્ય સંબંધીઓ પાસેથી લઈ વેપારીઓને રૂપિયા ચુકવવા છતાં લેણું બાકી રહેતા તે મણીનગર, રાજીવ કોમ્પલેક્ષના ચોથા માળે ઓફીસ ધરાવી વ્યાજનો ધંધો કરતાં રાહુલ શીવમોહન ચૌહાણ પાસે પહોચ્યો હતો અને રપ લાખ રૂપિયા ત્રણ ટકાના વ્યાજે લીધા હતા જે પરત ચુકવવા જતાં રાહુલ ચૌહાણે પંદર ટકાનું વ્યાજ આપવાનું છે તેમ કહીને ધમકીઓ આપતા સાગરે વ્યાજ પેનલ્ટી સાથે ૮પ લાખ રૂપિયા આપ્યા હતા.
બાદમાં સાગરને ઘરે બોલાવી લાલચું રાહુલ ચૌહાણે વધુ ૩૦ લાખની માંગ કરી તે વસુલવા કોલકતામાં પોતાના મિત્ર રાહુલ રાજપુતના કોલ સેન્ટરમાં કામ કરવા મજબુર કર્યો હતો જયાંથી પાંચ મહીના બાદ ભાગીને તે પુના પહોચતા રાહુલ ચૌહાણે પુનામાંથી પોતાના સાગરીતો સાથે અપહરણ, ધમકીઓ આપી ઢોરમાર માર્યો હતો અને અમદાવાદ ખાતે લઈ આવ્યો હતો.
ત્યાંથી ન અટકતાં સાગરનું ફરી અપહરણ કરી રાજસ્થાનના બ્યાવર ખાતે કોલ સેન્ટરમાં ફરજ પાડવામાં આવી હતી. જેથી સાગરે ઘરે જવાની વિનંતી કરતા રાહુલે વધુ પ૦ લાખની માંગ કરી હતી બાદમાં ૧ કરોડ રૂપિયાની માંગણી કરી શાહીબાગમાંથી અપહરણ કરી વકીલ પાસે લઈ જઈ રૂપિયા અઢી કરોડ તેણે લીધા હોવાનું લખાણ કરાવ્યું હતું
અને તે પેટે બે ચેક લઈ લીધા હતા. આ ઘટના બાદ સાગરે નિકોલ પોલીસ સ્ટેશન પહોંચી રાહુલ ચૌહાણ તથા તેના સાગરીતો જીતુ ચૌહાણ, રાહુલ રાજપુત તથા અતુલ રાજપુત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે તુરંત તપાસ શરૂ કરી છે.