વ્યાજ નહીં આપતા વ્યાજખોરો દ્વારા આધેડને માર મરાયો
અમદાવાદ, શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. એક આધેડ કે જેઓ ગાડી ડ્રાઇવિંગનું કામ કરે છે. તેમના પુત્રના લગ્ન હોવાથી પૈસાની જરૂર ઉભી થતા તેમને વ્યાજે નાણા લીધા હતા. પણ લૉકડાઉનમાં ધંધો ન રહેતા તેઓ વ્યાજના ચક્કરમાં ફસાયા હતા. વ્યાજખોરોએ ધમકી આપતા આધેડ મકાન ખાલી કરી બીજે ભાડે પણ રહેવા જતા રહ્યા હતા. બાદમાં આધેડને માર મારતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘાટલોડિયા ચાણકયપુરીમાં રહેતા કાળુભા ઝાલા ભાડાની ગાડી ચલાવી પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૮માં કાળુભાના દીકરાના લગ્ન હોવાથી તેમને રૂપિયાની જરૂર ઉભી થઇ હતી. જેથી ત્યાં રહેતા અરવિંદ પટેલ પાસેથી ૫ ટકા વ્યાજે ૭૫ હજાર લીધા હતા.
સિક્યોરિટી પેટે ચેક પણ આપ્યા હતા. બાદમાં પ્રવિણ દેસાઈ અને તેના પિતા શંકર દેસાઇ નામની વ્યક્તિ પાસેથી દસ દસ હજાર એમ ૨૦ હજાર લીધા હતા. બેએક વર્ષથી તેઓ વ્યાજે લીધેલા પૈસાનું વ્યાજ પણ ચૂકવતા હતા. પરંતુ કોરોનાના કારણે લૉકડાઉન આવતા છેલ્લા પાંચેક માસથી કાળુભાએ વ્યાજ ન ચૂકવતા આ તમામ લોકોએ તેમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
જેથી કંટાળીને કાળુભા પરિવારને લઈને ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. ૧૪મીએ તેમની વર્ધિ અમદાવાદ લાગતા તેઓ ગાડી લઈને આવ્યા હતા. ત્યારે કેટલાક શખશો આવ્યા અને રબારીના પૈસા લેવામાં મજા નહિ આવે તેમ કહી મારામારી કરી હતી અને ધમકી આપી હતી. જેથી કાળુભાએ આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS