વ્યારા ખાતે ઉગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “કોરોના વોરિયર્સ”ને અનાજની કીટનું વિતરણ કરાયું
વ્યારા: “કોરોના”ના કહેરને લઈને કરાયેલા “લોકડાઉન” વચ્ચે અનેક નાનીમોટી સમસ્યાઓને કોરાણે મૂકીને, રાસ્ટ્રભાવ સાથે પોતાની ફરજ બજાવી રહેલા “કોરોના વોરિયર્સ” એવા વ્યારા પોલીસ મથકના ટી.આર.બી., હોમગાર્ડ, અને જી.આર.ડી.ના જવાનોને ઉગમ ચેરિટેબલ ટ્રસ્ટ, અને વ્યારાના સેવાભાવી સજજનોના સંયુક્ત ઉપક્રમે અનાજની કિટનું વિતરણ કરાયું હતું.
વ્યારા સ્થિત જિલ્લા સેવા સદનના પ્રાંગણમાં કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના હસ્તે વ્યારા પોલીસ મથકના જી.આર.ડી., ટી.આર.બી. અને હોમગાર્ડના જવાનોને તેમની સેવા અને સમર્પણની ભાવનાની કદરરૂપે રાશનકીટ વિતરણ કરવાના કાર્યક્રમમાં ઉગમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપભાઇ ભરોલિયા, શ્રી હરેશભાઈ ગોટી, શ્રી મહેશભાઇ ભરોલિયા, શ્રી હસમુખભાઈ બોદરા, શ્રી કૃણાલભાઈ કાયસ્થ, તથા ભારત પેટ્રોલિયમ અને બિલ્ડિંગ વ્યવસાય સાથે જોડાયેલા શ્રી વિજયભાઈ પટેલ, મીડિયા પાર્ટનર ગુજરાત ગાર્ડિયન દૈનિકના તાપી જિલ્લાના બ્યૂરો ચીફ શ્રી અલ્પેશ દવે, વ્યારાના પોલીસ ઈન્સ્પેકટર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ સહિતના સજજનો પ્રશાસન સાથે જોડાયા હતા.