વ્યારા ખાતે ઓર્ગેનિક ખેત ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું
દર સોમવાર અને ગુરુવારે સેવા સદન પાસે વેચાણ કરાશે :
જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારીએ વેચાણ સ્ટોલની મુલાકાત લઈ
વ્યારા ;સોમવાર;તાપી જિલ્લાના ખેડૂતો દ્વારા ઉત્પાદિત ઓર્ગેનિક ઉત્પાદનો સીધા તેમના ખેતરેથી, ગ્રાહકોના રસોડા સુધી પહોચાડવાના ભાગરૂપે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા, દર સોમવારે અને ગુરુવારે વ્યારા સહિત આસપાસના પ્રજાજનોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સોમવારથી શરૂ કરાયેલા આ આયામની મુલાકાતે જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણી સહિત જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે વેચાણ કેન્દ્રોની જાત મુલાકાત લઈ, ખેડૂતોને સીધી બજાર વ્યવસ્થા મળવા સાથે, ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખેત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સતિષભાઇ ગામિતના જણાવ્યા અનુસાર દર સપ્તાહે સોમ અને ગુરુવારે સવારથી સાંજ સુધી, જિલ્લા સેવા સદન, પાનવાડીના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે, ઓર્ગેનિક ખેત ઉત્પાદન કરતાં ખેડૂતો દ્વારા વિવિધ ખેત પેદાશોનું વેચાણ કરાશે. અહી મુખ્યત્વે એપલ બોર, બ્રોકલી, મશરૂમ, ફ્લાવર, કોબી,સરગવો, ભીંડા, ચોળી-ચોળા, ટીંડોળા, કારેલા,ગલકા, મરચાં જેવા શાકભાજી સાથે લાલ અને કાળા ચોખા, કેસર કેરીનો પાવડર, આયુર્વેદિક માલિશ તેલ જેવા ઉત્પાદનોનું વેચાણ શરૂ કરાયું છે. આ તમામ ઉત્પાદનો રસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર કરાયા છે, તેમ જણાવી આ બજારનો વધુમાં વધુ લોકોને લાભ લેવા પણ તેમણે અનુરોધ કર્યો છે.