વ્યારા ખાતે લઘુમતી કલ્યાણ સમિતિની બેઠક મળી
વ્યારા: તાપી કલેકટર આર.જે.હાલાણીએ એક અગત્યની બેઠકમાં વડાપ્રધાનશ્રીના લઘુમતી કલ્યાણના ૧૫ મુદ્દાઓ અંગે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરવા સાથે વર્ષ ૨૦૧૯-૨૦ના લક્ષ્યાંકો હાંસલ કરવા બાબતે સંબંધિત અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
જિલ્લા સેવા સદનના સભાખંડમાં યોજાયેલી એક બેઠકમાં શ્રી હાલાણીએ રાજ્ય તથા કેન્દ્ર સરકારની લઘુમતી કલ્યાણની વિવિધ યોજનાઓનો લાભ લઘુમતી સમુદાયના લોકોને મળી રહે તે માટે પુરતા પ્રયાસો કરવાની પણ હિમાયત કરી તેમણે લઘુમતી સમાજના જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી યોજનાકીય જાણકારી પહોંચાડવાનો પણ અનુરોધ કર્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘ તથા નિવાસી અધિક કલેકટર બી.બી.વહોનીયાએ પણ અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શીત કર્યા હતા. દરમિયાન સંકલિત બાળ વિકાસ યોજનાની ન્યાય પ્રક્રિયા સહિત લઘુમતી સમુદાયના બાળકોનું શાળા શિક્ષણમાં વધુ પ્રવેશ, ઉર્દુ શિક્ષણ માટેના સાધનો, મદ્રેસા શિક્ષણનું આધુનિકરણ, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મૌલાના આઝાદ શિક્ષણ પ્રતિષ્ઠાન દ્વારા શૈક્ષણિક માળખામાં સુધારો, સ્વરોજગાર અને વેતન રોજગાર, ટેકનિકલ તાલીમ દ્વારા કૌશલ સુધારણા, આર્થિક પ્રવૃત્તિઓ માટે ધિરાણ સહાય, રાજ્ય/કેન્દ્ર સરકારની નોકરીઓમાં ભરતી, ગ્રામીણ આવાસ યોજનામાં સમાન હિસ્સો, લઘુમતી વસતિ ધરાવતા રહેણાંક વિસ્તારોની સુધારણા સહિત સામાજિક સૌહાર્દને લગતી બાબતોની વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી.