Western Times News

Gujarati News

‘વ્યાવહારિક પ્રવૃત્તિ અને અધ્યાત્મ સાધના’  : વિષય ઉપર ૯૬મું પ્રવચન ઓનલાઇન લાઇવ યોજાયું

અધ્યાત્મ સાધના કરવાથી પ્રવૃત્તિ બગડતી નથી ઉપરથી સુધરે છે. – : પૂ. આત્મતૃપ્તદાસ સ્વામી

જો પ્રવૃત્તિ ભગવાનને સંભારીને કરીએ તો કોઇ બંધન રહેતું નથી. પછી પ્રવૃત્તિ પોતે ભક્તિરૂપ થઇને મોક્ષ માર્ગનું સાધન બની જાય છે. – પૂ. વિવેકસાગરદાસ સ્વામી

 

ગાંધીનગર: ‘આર્ષ’ શોધસંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના  કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૪ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત ચિંતન-તત્ત્વજ્ઞાન અંગે ‘વ્યાવહારિક પ્રવૃત્તિ અને અધ્યાત્મ સાધના’ વિષય પર ૯૬માં પ્રવચનનું આયોજન ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન લાઇવ તા. ૨૬-૦૬-૨૦૨૧ ના રોજ સાંજે ૫ થી ૭ સમય દરમ્યાન થયું હતું.

આ પ્રસંગે સારંગપુર સ્થિત બી.એ.પી.એસ. સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાચાર્ય તેમજ શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના દર્શન વિભાગાધ્યક્ષ, વિદ્વાન પૂ. આત્મતૃપ્તદાસ સ્વામીના વક્તવ્યનો તેમજ સદગુરુવર્ય પૂ. વિવેકસાગરદાસ સ્વામીના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. ઓનલાઇન પ્રવચનમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ જોડાયા હતા.

પૂ. આત્મતૃપ્તદાસ સ્વામીએ પ્રવચનની શરૂઆતમાં જણાવ્યું  કે, મનુષ્યદેહની સફળતા કયારે મળે? તો જ્યારે પરમ શાંતિ, પરમ સુખ અને પરમ આનંદને પ્રાપ્ત કરીએ ત્યારે. ભગવાનની ભક્તિ આપણને ભગવાનની પરમ સમીપે લઇ જાય છે તેથી અગત્યની વસ્તુ છે ભગવાનની પરાભક્તિ, જેને આપણે આધ્યાત્મિક સાધના કહીએ. જે આપણા જીવનનું મુખ્ય કાર્ય છે.

તેમણે આગળ વાત કરી કે, જ્યારે આધ્યાત્મિક સાધનાનો વિચાર કરીએ ત્યારે મનની શાંતિ, સ્થિરતા અને ઓછામાં ઓછા વિક્ષેપો આવે તેવા વાતાવરણની જરૂર પડે. કારણ કે આપણે અંતરના ઊંડાણમાં જવાનું છે, એકાગ્ર થવાનું છે. એના માટે સમય જોઇએ. અને આ બધુ આપણે કરવું હોય તો આપણને વ્યવહારની જવાબદારીઓ વિઘ્નરૂપ થાય છે. તેને લીધે આપણે સમય આપી શકતા નથી.

તેથી એક મત એવો પણ પ્રવર્તમાન છે કે, આધ્યાત્મિક સાધના સાચી રીતે અને સારી રીતે કરવી હોય તો બધી જ વ્યવહારની ઝંઝટ મૂકી દેવી પડે, એકાંતમાં જતું રહેવું પડે, ત્યાગી થઇ જવું પડે. ભારતવર્ષમાં એવા સાધકો પણ થયા છે. પરંતુ જ્યારે આપણે આ રીતે આપણાં શાસ્ત્રોમાં ભગવાન અને અનુભવીઓનાં વચનો સામે જોઇએ ત્યારે કંઈક જુદું જાણવા મળે છે.

ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને યોગનો ઉપદેશ આપે છે. યોગ એટલે ભગવાન સાથેનું જોડાણ.  તસ્માત્ યોગી ભવ અર્જુન.’ હે અર્જુન તારે યોગી થવાનું છે. શ્રીકૃષ્ણ અર્જુનને યોગી બનાવવા માગે છે પરંતુ કેવો યોગી? જેના હાથમાં ગાંડીવ હોય, જે રણસંગ્રામમાં ઊભો હોય, એ ‘મામ્ અનુસ્મર યુદ્ધ્ય ચ’ (મારું સ્મરણ કર અને યુદ્ધ કર) એવી રીતે પ્રવૃત્તિ કરતો હોય એવો યોગી બનાવવા માગે છે.

ગ.પ્ર.૩૧ અને વ.૧૭ માં ભગવાન સ્વામિનારાયણ બે ત્યાગીની તુલના કરે છે. એક ત્યાગી એવો છે તે સંપૂર્ણ નિવૃત્તિને અનુસરી એકાંતમાં રહે છે, વનના મૃગની જેમ એકલો ફરે છે. બીજો ત્યાગી ત્યાગાશ્રમના બધા ધર્મોનું પાલન કરે છે. પરંતુ ભગવાનને પ્રસન્ન કરવાના હેતુથી એ સેવા પ્રવૃત્તિમાં જોડાયેલો છે. તેમાં અનેક પ્રકારની અડચણો પણ આવે છે. ક્યારેક ગુસ્સો, ક્યારેક માન આવી જાય છે અને ક્યારેક વિષયોમાં પણ મન જતું રહે છે. આ બે પ્રકારના ત્યાગીમાં કયો ત્યાગી શ્રેષ્ઠ? ત્યારે તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે, જે ત્યાગી પોતે ભગવાનની પ્રસન્નતા માટે પ્રવૃત્તિ- વા કરે છે તે અધિક છે. ભલે વિક્ષેપો આવતા હોય પણ તે વિક્ષેપોના નાશના રસ્તા છે. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે ત્યાગાશ્રમમાં પણ સેવાપ્રવૃત્તિ અનિવાર્ય ગણાવી છે.

વ્યાવહારિક પ્રવૃત્તિ અને અધ્યાત્મસાધના આ બંનેનું સંતુલન કઇ રીતે કરવું એ વિષય પર ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોના ઉપદેશો અને જીવન આચરણના આધારે ચિંતન કરતાં તેમને જણાવ્યું હતું કે, આ વિષયને ત્રણ ભાગમાં સમજાવ્યો હતો.૧ પ્રવૃત્તિ અને સાધના, ૨ પ્રવૃત્તિમાં સાધના અને ૩ પ્રવૃત્તિ એ જ સાધના.

પ્રવૃત્તિ અને સાધના વિષે વાત કરતાં કહ્યું કે, પ્રવૃત્તિના સમયે પ્રવૃત્તિ અને સાધનાના સમયે સાધના સારી રીતે કરવી. દિવસ દરમ્યાન એવો સમય હોવો જોઇએ જેમાં આપણે ફક્ત સાધના કરતા હોઇએ. જીવનના સંતુલન માટે જેમ આપણે પ્રવૃત્તિને મહત્ત્વ આપીએ છીએ તેમ આપણા નિત્યક્રમની અંદર સાધનાને પણ મહત્ત્વ આપવું જરૂરી છે. બાહ્યવૃત્તિએ કરીને આપણે આખો દિવસ કામ કરીએ છીએ તો પાછી વૃત્તિ વાળી અતંર્દૃષ્ટિ કરવી પણ જરૂરી છે. વ્યવહાર માર્ગમાં દરેકને સમયનો પ્રશ્ન છે તેથી સાધના માટે સમય કાઢવો કઠણ હોય છે. પરંતુ સૈદ્ધાંતિક રીતે સમજીએ તો આપણે માનીએ છીએ કે મારે ઝાઝી પ્રવૃત્તિ, ઝાઝી જવાબદારી છે. પરંતુ, જો આપણે પ્રવૃત્તિ સારી રીતે કરવી હોય તો એના માટે સાધના માટેનો સમય કાઢવો જરૂરી છે. સાધના કરવાથી પ્રવૃત્તિ બગડતી નથી ઉપરથી સુધરે છે.

તમે જે સાધનનો ઉપયોગ કરી કામ કરવા માગતા હો એ સાધનને સમું રાખવા તમે જે સમય અને શક્તિનો વ્યય કરો તે વેસ્ટ કર્યું ન કહેવાય, તે ઇનવેસ્ટ કર્યું કહેવાય. શરીરરૂપી સાધન છે એનાથી કામ લેવાનું છે તો અમુક સમય શરીરને સાચવવા માટે આપવો જ પડે. મનરૂપી સાધન અગત્યનું છે. મનને શાંત, પવિત્ર મજબૂત બનાવવા માટે આપણે જે સાધના કરીએ એ અધ્યાત્મસાધના છે. તે આપણા મનને સતેજ કરે છે. તેનાથી આખા દિવસ દરમ્યાન જે જે પ્રવૃત્તિ કરીએ તે સારી થાય છે.

સેન્ટ ફ્રાન્સિસ નામના લેખકે કહ્યું છે કે, આપણે રોજ અડધો કલાક પ્રાર્થના કરવી જોઇએ સિવાય કે આપણે બહુ વ્યસ્ત ન હોઇએ તો? જો આપણે બહુ વ્યસ્ત હોઇએ તો એક કલાક પ્રાર્થના કરવી જોઇએ. જો તમે વધારે બીઝી છો તો તમારે વધુ પ્રાર્થનાની જરૂર છે.

ત્યાર પછી આધ્યાત્મિક સાધના રોજ કેવી રીતે કરવી?  એ વિષે વાત કરતાં કહ્યું કે, ભગવાન સ્વામિનારાયણે સુંદર પદ્ધતિઓ આપી છે. તેના માટે આહ્નિક શબ્દનો પ્રયોગ કર્યો છે. આહ્નિક એટલે રોજ કરવાની વસ્તુ. આપણાં નિત્યક્રમની અંદર અમુક સમયે ફક્ત નિત્ય સાધના કરવી જ. જેમ કે આપણી નિત્યપૂજા. નિત્યપૂજા પછી જ અન્ન કે વ્યવહારિક કામ કરવું. સવાર સાંજની આરતી, પરિવારના બધા સભ્યો મળી અઠવાડીયામાં બે વાર ઘરસભા કરવી, શાસ્ત્રોનું નિત્ય વાંચન વગેરે. આ સાધના આપણા અંદરનું કલેવર ઘડે છે. એમાં સાતત્ય-  ત્યતા અને ગુણવત્તા બંને જરૂરી છે.  જો યંત્રવત્ થાય તેમ છતાં કરતાં રહેવું. ધીરે ધીરે આત્મામાં પ્રકાશ થશે, પૂર્ણતા તરફ લઇ જશે, શાંતિ થશે અને ગુણવત્તા આવશે.

બીજો મુદ્દો પ્રવૃત્તિમાં સાધના વિશે વાત કરતાં કહ્યું કે, દિવસ દરમ્યાનની આપણી ઘણી એવી ક્રિયાઓ એવી હોય છે જે આપણે ધારીએ તો ભજન કરતાં કરતાં કરી શકીએ. આપણે નવરાશ પડે એટલે મોબાઇલ ફોન મચેડીએ, જે તે જોયા કરીએ, પરંતુ એ સમયનો સદઉપયોગ શકીએ. અમુક પ્રવૃત્તિ એવી હોઇ છે તેમાં પેરેરલ ભક્તિ થઇ શકે. જેમ કે, આપણી દૈનિક દૈહિક ક્રિયાઓ. જેની સાથે આપણે ધારીએ તો આપણે સાથે સાથે ભક્તિ કરી શકીએ. સ્નાન દરમિયાન, ટ્રાવેલીંગમાં વગેરે.. આ ટેવ પડતી નથી, ટેવ પાડવી પડે છે. સહજ ક્રિયાઓમાં આપણી સાધનાને વણી લઇએ તો સ્પેશ્યલ સમય કાઢવો પડતો નથી. આવી રીતે પ્રવૃત્તિમાં સાધનાનો દોર પણ જરૂરી છે.

ત્રીજો મુદ્દો પ્રવૃત્તિ એ જ સાધના વિશે જણાવ્યું કે, સાચી રીતે પ્રવૃત્તિ થાય તો પ્રવૃત્તિ પોતે જ સાધના બની જાય છે. ગીતામાં કહ્યું છે કે, પોત- તાના કર્મમાં જે પ્રવૃત્ત રહે તો એ કર્મ સાધના બની જાય છે. પણ કેવી રીતે? તેને માટે પ્રવૃત્તિની પાછળ રહેલી સમજણો, કયા હેતુથી આપણે આ ક્રિયા કરીએ છીએ? શુ સમજીને કરીએ છીએ? તેના આધારે નક્કી થાય છે. આંતરિક સમજણ એ આપણી પ્રવૃત્તિને સાધના બનાવી દે છે. કઇ આંતરિક સમજણ? તો ભગવાનને કર્તાહર્તા માનવાની સમજણ, આપણે તો નિમિત્તમાત્ર છીએ. આપણે બોજો લઇને ફરીએ એટલે જ પ્રવૃત્તિ સાધના નથી બનતી. સફળતામાં અથવા કાર્યભારમાં પણ પોતાને નિમિત્ત માની ભગવાનને કર્તા માણવા.

ભગવાનને કર્તા માનવા એટલે જ્યારે કોઇ બીજી વ્યક્તિ આપણું ખરાબ કરે ત્યારે પણ કર્તાહર્તા માનવા. પ્રમુખસ્વામી મહારાજ કહેતા, કોઇ કોઇનું સુધારતું નથી અને કોઇ કોઇનું બગાડતું પણ નથી. ભગવાનને જ કર્તા માનો તો શાંતિ શાંતિ ને શાંતિ. પ્રવૃત્તિ એ જ સાધના ત્યારે બને જ્યારે ભગવાનને કર્તાહર્તા મનાય અને કેવળ રાજીપાના વિચાર સાથે કરીએ. બધી પ્રવૃત્તિ ભક્તિરૂપ બનાવી દેવાની છે. કંઇ રીતે? તો ભગવાન માલિક છે આપણે ટ્રસ્ટી છીએ. રાજીપાનો વિચાર હોય તો મોટું કામ એ થાય કે, આપણે સાધના કે પ્રવૃત્તિ કરતાં કરતાં ફંટાઇ ન જવાય અને ક્રિયા ભક્તિરૂપ બની જાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે, કર્મ પૂરા દિલથી કરવું પણ ફળની અપેક્ષા ન રાખવી. પરંતુ ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય એટલી ઇચ્છા જરૂર રાખવી. એટલી ઇચ્છા ન રાખે તે તો તમોગુણી કહેવાય. ભગવાનની પ્રસન્નતાની ઇચ્છા તે ગુણાતીત કર્મ છે. તે કર્મ સીધા જ ભગવાન સાથે જોડી દે છે.

પૂ. વિવેકસાગર સ્વામીએ અધ્યક્ષીય પ્રવચનમાં વાત કરી કે, પ્રવૃત્તિ માત્ર અશાંતિકારક છે અને નિવૃત્તિમાં પણ શાંતિ ક્યાં છે? ત્યાગી હોય કે ગૃહસ્થ હોય તેને પ્રવૃત્તિનો ફેર ચડ્યા વિના રહેતો જ નથી. પરંતુ જો પ્રવૃત્તિ ભગવાનને સંભારીને કરીએ તો કોઇ બંધન રહેતું નથી. પછી પ્રવૃત્તિ પોતે ભક્તિરૂપ થઇને મોક્ષના માર્ગે સાધન બની જાય છે. તેથી ભજન કરતાં કરતાં ક્રિયા કરવી તેને ક્રિયાયોગ કહેવાય. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. ગુલઝારીલાલ નંદાની વાત કરતાં કહ્યું કે, તેઓ અનેક પ્રવૃત્તિઓની વચ્ચે પણ નિત્યપૂજા અને શાસ્ત્રોનું આહ્નિક-વાંચન કરતા. અહંભાવ મનમાં લાવવો નહીં. દરરોજ સવારમાં એવો વિચાર કરવો કે, આપણે શુ કરવા આવ્યા હતા અને શું થાય છે? સાથે સાથે ઘરસભા દ્વારા દરેક પ્રવૃત્તિના ફેર ઉતરી જાય છે તેવી વાત કરી. પ્રમુખસ્વામી મહારાજ પછી વર્તમાનકાળે મહંતસ્વામી મહારાજ સંસ્થાના વડા હોવાને નાતે અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં એકદમ નિર્લેપ રહે છે. અને આપણને પણ પ્રેરણા આપે છે. અંતમાં પ્રવૃત્તિની અંદર પણ નિવૃત્તિ પરાયણ રહી શકીએ એજ આજનો મર્મ છે એવી વાત કરી હતી.

પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી ૯૭માં શાસ્ત્ર વિષયક પ્રવચન ‘નિષ્કુળાનંદ વિરચિત – ભક્તચિંતામણી’ની રૂપરેખા પૂ. જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ આપી હતી અને છેલ્લે પૂ. હરિતિલકદાસ સ્વામીએ શાબ્દિક આભાર વિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.