Western Times News

Gujarati News

વ્લાદીમીર પુટિનનો દાવો, શસ્ત્રોના મામલે રશિયા વિશ્વમાં નંબર-૧

લંડન, યુક્રેનના મામલે અમેરિકા સાથે જારી તનાવ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટિનેમોટો દાવો કરતા જણાવ્યું હતું કે શસ્ત્રોના મામલે રશિયા સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર પર છે. તેની સાથે તેમણે જણાવ્યું કે અમે પરમાણુ ક્ષમતા, મિસાઇલો અને વોરહેડને લઈને અમેરિકા સાથેની સંધિ પર કાયમ રહીશું.

પુટિને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પુટિને બાઇડેનને યુક્રેન પર કોઈપણ પ્રકારનો હુમલો ન કરવાનું આશ્વાસન પણ આપ્યું.પુટિને રશિયાના સરકારી પ્રસારમાધ્યમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રશિયા અને અમેરિકાએ શસ્ત્રોની સંખ્યાને લઈને સામાન્ય સિૃથતિ જાળવી રાખી છે.

પરંતુ રશિયા અત્યાધુનિક શસ્ત્રોના વિકાસમાં અગ્રણી છે. તેમણે જણાવ્યું હતું કે અમે પરંપરાગત શસ્ત્રોનું આધુનિકીકરણ કરવા ઉપરાંત કેટલાય નવા શસ્ત્રો પણ બનાવી રહ્યા છીએ.

આમ અમે વિશ્વમાં શસ્ત્રોના મામલે નંબર-વન છીએ.રશિયા અને પશ્ચિમ તથા અમેરિકા સાથે યુક્રેન મુદ્દે તનાવ ચાલી રહ્યો છે ત્યારે પુટિન અને જિનપિંગ વચ્ચે આ સપ્તાહમાં વર્ચ્યુઅલ સમિટ યોજાશે. આ બેઠકમાં તેઓ ચીન-રશિયાના સંબંધની સમીક્ષા કરશે અને આ વર્ષે વિવિધ ક્ષેત્રમાં સહયોગ અંગે વિચારશે. રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કેટલાય અન્ય દેશો સાથે નિશ્ચિતરૂપે હાઇપરસોનિક મિસાઇલ હશે,

પરંતુ તે સમયે રશિયા આવી મિસાઇલો સામે પોતાની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવશે. તેમણે દાવો કર્યો કે ૨૦૧૮ પછી રશિયાએ હાઇપરસોનિક શસ્ત્રોનું અનાવરણ કર્યુ તે સમયે આ શસ્ત્રો કોઈની પાસે ન હતા.

હવે લગભગ ઘણા દેશ હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી રહ્યા છે. તેઓ જ્યારે આ શસ્ત્રો મેળવશે ત્યારે અમારી સાથે તેનો સામનો કરવા માટે ઘણા વધારે સાધન હશે.નવેમ્બરમાં પુટિને રશિયન હાઇપરસોનિક મિસાઇલો અંગે જણાવ્યું હતું કે ભવિષ્યમાં રશિયા નવા સમુદ્ર આધારિત હાઇપરસોનિક મિસાઇલોથી સજ્જ હશે.

આ મિસાઇલ મહત્તમ મેક-૯ની ઝડપે પહોંચી શકશે. રશિયા પાસે જિરકોન હાઇપરસોનિક મિસાઇલ છે, જેને વિશ્વની અત્યાર સુધીની સૌથી ઝડપી મિસાઇલ મનાય છે. આ સિવાય રશિયા બીજા કેટલાકય નવા મિસાઇલોનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.