Western Times News

Gujarati News

વ્હાઇટટોપીંગ ટેકનોલોજીથી રસ્તા મજબુત બને છે

પ્રતિકાત્મક

અમદાવાદ,  અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં બિસ્માર અને ખાડાખૈય્યાવાળા, તૂટેલા અને ધોવાઇ ગયેલા રોડ-રસ્તાઓ શહેરીજનોની સાથે સાથે ખુદ અમ્યુકો સત્તાવાળાઓ માટે પણ માથાના દુઃખાવા સમાન બની છે ત્યારે હવે મુંબઇ, થાણે, નાગપુર, પૂણે, બેંગ્લુરૂ સહિતના શહેરોમાં વ્હાઇટટોપીંગ ટેકનોલોજીથી બહુ મજબૂત અને ટકાઉ રોડ-રસ્તાઓનું નિર્માણ થઇ રહ્યું છે, તે જ ધોરણે અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં આ વેધર રેસીલીઅન્ટ રોડ્‌ઝ અને પાથહોલ ફ્રી ટેકનોલોજીયુકત વ્હાઇટટોપીંગથી રોડ-રસ્તાઓ બને તો નવાઇ નહી.

વ્હાઇટટોપીંગથી રોડ-રસ્તાઓ નિર્માણ થયા બાદ તેના રીપેરીંગ કે મેન્ટેનન્સને ૨૦ વર્ષ સુધી જોવું પડતુ નથી. તેમાં ખાડાખૈય્યા પડતા નથી, તે કોઇપણ ઋતુ કે વાતાવરણમાં ધોવાતા નથી, તે લાંબા સમય સુધી ચાલે છે, તે મજબૂત અને ટકાઉ બની રહે છે અને તે કારણથી હવે દેશભરમાં ધીરેધીરે વ્હાઇટટોપીંગ ટેકનોલોજી-ઓપ્ટીમલ સોલ્યુશન્સ ફોર ઇન્ડિયન સીટી રોડ્‌ઝની ડિમાન્ડ અને લોકપ્રિયતા વધતી જાય છે

એમ મહારાષ્ટ્ર સરકારના પીડબલ્યૂડીના ભૂતપૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી, શ્રી પી.એલ. બોંગિરવારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્હાઇટટોપીંગ ટેકનોલોજીના અનેકવિધ ફાયદાને લઇ તે દેશમાં હવે સ્વીકાર્ય બનતી જાય છે. ખાસ કરીને રોડ-રસ્તાઓના નિર્માણ માટે તે પ્રમાણમાં ઓછુ ખર્ચાળ અને લાંબા ગાળે એકંદરે સસ્તી પડે છે.

વ્હાઇટટોપીંગથી એક વખત રોડ-રસ્તાઓ નિર્માણ થયા બાદ ૨૦ વર્ષ સુધી તેને જોવું પડતુ નથી. આવા રોડ-રસ્તાઓ મજબૂત અને ટકાઉ તો બને જ છે સાથે સાથે વાહનોની ઇંધણક્ષમતા, એવરેજ વધે છે, તો કોઇપણ વાતાવરણ કે હવામાનમાં તેને કોઇ આડઅસર થતી નથી. ૨૦ વર્ષો સુધી મેન્ટેનન્સ ખર્ચ માટે વિચારવાનું આવતું નથી. અમદાવાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તાઓની બિસ્માર દુર્દશા માટે વ્હાઇટટોપીંગ ટેકનોલોજી રામબાણ કારગત સાબિત થઇ શકે છે.

અમદાવાદમાં નિરમાથી ત્રાગડ રોડ અથવા વટવા ગામથી ન્યૂ વટવા રોડ જેવા નિર્ણાયક પટ્ટાઓ થોડાક ઉદાહરણો છે, જ્યાં વારંવાર પડતા ખાડાં અને અસુરક્ષિત રસ્તાઓના કારણે રાહદારીઓને અવારનવાર દુઃખદ અનુભવનો સામનો કરવાનો આવે છે. તેથી, વ્હાઇટટોપીંગ ટેકનોલોજી તેનો ઉત્તમ ઉકેલ છે, જે તેના ૨૦ વર્ષના આખા જીવનચક્રમાં ઓછામાં ઓછા સમારકામ સાથે સલામત અને ટકાઉ રસ્તાઓની ખાતરી આપે છે. વ્હાઇટટોપીંગને ખૂબ ઓછી જાળવણીની જરૂર પડે છે અને તેમાં ડામરની સપાટીઓની સરખામણીમાં સાંકડા માર્ગમાં અવરજવર ઘણી ઓછીવાર બંધ કરવાની થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.