શંખેશ્વર તથા સમી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ

પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા કુલ રૂ.૬૦ લાખના અનુદાન થકી ૫૦૦ એલ.પી.એમ.ના બે ઓક્સિજન પ્લાન્ટ, ૧૦૦ ઓક્સિજન સિલિન્ડર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ
માહિતી બ્યુરો, પાટણ કોરોના વાયરસના સંક્રમણની ઝડપ વધી રહી છે ત્યારે જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તે માટે પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે શંખેશ્વર અને સમી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટ તથા અન્ય આરોગ્યલક્ષી સવલતોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસની ત્રીજી લહેરમાં સંક્રમણને નિયંત્રીત કરી શકાય તથા સંક્રમિત થયેલા દર્દીઓને સત્વરે સારવાર ઉપલબ્ધ થાય તે માટે અસરદાર આયોજન કરવામાં આવ્યું છે.
સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા તેમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે શંખેશ્વર તથા સમી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય તે માટે ચાણસ્માના ધારાસભ્યશ્રી દિલીપકુમાર ઠાકોર દ્વારા તેમના ધારાસભ્યશ્રી તરીકેના ભંડોળમાંથી પ્રતિ સામૂહિક કેન્દ્ર પેટે રૂ.૩૦ લાખ મળી કુલ રૂ.૬૦ લાખનું અનુદાન ફાળવવામાં આવ્યું હતું.
શંખેશ્વર તથા સમી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ધારાસભ્યશ્રી દિલીપકુમારના હસ્તે ૫૦૦ લીટર પ્રતિ મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકતા બે પી.એસ.એ. પ્લાન્ટ, કુલ ૧૦૦ જમ્બો ઓક્સિજન સિલિન્ડર, કુલ ૧૦૦ બેડની ઓક્સિજન સેન્ટ્રલ લાઈન, કુલ ૧૮૦ કે.વી.નું વિજ જાેડાણ તથા કુલ ૨૫૦ કે.વી. ક્ષમતાના ડી.જી. સેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે જ અન્ય જરૂરી મેડિકલ સાધનો પણ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી મનુજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મેલાજી ઠાકોર સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.દિવ્યેશભાઈ પટેલ, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડૉ.નરેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી બાબુભાઈ દેસાઈ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.