Western Times News

Gujarati News

શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના

(તસ્વીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી) શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના ૫૧ શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે ભકતો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે.

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, ત્યારબાદ ઘટસ્થાપન વિધિ યોજાઈ જેમાં સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો અને અંબાજીના વિદ્વાન બ્રાહ્મણો સહિત ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા અર્ચના કરાઈ હતી, સરસ્વતી નદીનું જળ લાવીને જવેરાનું સ્થાપન કરાયું હતું.

ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે અને આજથી દર્શન સમયમાં પણ ફેરફાર થયો છે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા. ઘટ સ્થાપના વિધિમાં અંબાજી મંદિરના વહીવટદાર સહિત કર્મચારીઓ જોડાયા હતા. સરસ્વતી નદીનુ જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ઘટ સ્થાપના કરાઈ હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાઈ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

નવરાત્રિના પ્રથમ દિવસે બોલિવૂડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. તેમને ભજન પણ ગાયુ હતું. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી, અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યા સહિત મંદિર સ્ટાફ અને મહારાજ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.