શક્તિસિંહ ગોહિલે ડો. એચ.એલ.ત્રિવેદી સાહેબના અવસાનના સમાચાર જાણી દુઃખની લાગણી વ્યક્ત કરી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતેની કીડની હોસ્પીટલના સ્થાપક અને સેવામૂર્તિ સમાન ડો. એચ.એલ. ત્રિવેદીનાં અવસાનથી કદી ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. બિહારના પ્રભારી અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહજી ગોહિલે જણાવેલ છે કે, દેશભરમાં શ્રેષ્ઠ એવી ગુજરાતની અમદાવાદ ખાતેની કીડની હોસ્પિટલનાં ફાઉન્ડર અને વર્ષો સુધી કીડનીનાં અતિ ગંભીર કહી શકાય તેવા દર્દની ઉત્તમ પ્રકારની સારવાર આપનાર આદરણીય ડો. એચ.એલ.ત્રિવેદી સાહેબના અવસાનના સમાચાર જાણી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.
હું સદભાગી છું કે, હું આર્રોગ્ય મંત્રી હતો તે સમયથી ડો. ત્રિવેદી સાહેબના કર્મનિષ્ઠ વ્યક્તિત્વનો અનેકવાર લાભ મને પ્રાપ્ત થયેલ છે. ડો. ત્રિવેદી સાહેબને સમગ્ર માનવજાત માટે આરોગ્યની આ અતિ ગંભીર પ્રકારની કિડનીના દર્દની લાંબા સમય સુધીની સેવાઓ બદલ “ પદ્મશ્રી “ નો ખિતાબ એનાયત થયેલ હતો. ડો.ત્રિવેદી સાહેબે તેમની વર્ષોની સેવાઓ દરમ્યાન હજારોની સંખ્યામાં કીડની ટ્રાન્સપ્લાન્ટ કરીને લોકોને શાંતિ પૂર્વક જીવન જીવવા પ્રેરિત કરેલ હતા.
ભારતમાંથી જ નહિ પરંતુ વિદેશમાંથી પણ ડોકટરો તેમનું માર્ગદર્શન લેવા આવતા હતા જે તેમની શ્રેષ્ઠ કાબેલીયતના દર્શન કરાવે છે. તેઓશ્રીની વિદાયથી ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશની જનતાને આ આરોગ્યની ઉત્તમ સેવાના ભેખધારીની ખોટ પડી છે. શ્રી ગોહિલે તેઓના પરિવારજનોને આ અચાનક આવી પડેલ દુઃખ અંગે શોકાંજલિ પાઠવેલ છે.