શક્તિ પંપ્સ : કોરોના સંકટ વચ્ચે બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
આત્મનિર્ભર ભારતની વિકાસગાથામાં તાલ મિલાવ્યો- પીએમ કુસુમ યોજનામાં મોટી ભૂમિકા ભજવી
અમદાવાદ : કોરોના સંકટ વચ્ચે સિંચાઇ, ઔદ્યોગિક અને ઘરેલુ ઉપયોગ માટે સોલર પંપના અગ્રણી નિર્માતા શક્તિ પંપ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે આત્મનિર્ભર ભારતની વિકાસગાથાની સાથે તાલ મિલાવતાં સતત બીજા ત્રિમાસિકગાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
31 ડિસેમ્બર, 2020ના રોજમ સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળા માટે કંપનીનો ઇબીઆઇટીડીએ નોંધપાત્ર વધીને રૂ. 50.67 કરોડ થયો છે, જે ડિસેમ્બર 2019માં રૂ. 0.94 કરોડ હતો. સમીક્ષા હેઠળના સમયગાળામાં ઇપીએસ રૂ. 14.44ના સ્તરે સ્પર્શ્યો છે, જે વર્ષ 2019માં રૂ. 4.73 હતો.
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં કંપનીનો ઇપીએસ રૂ. 24.53 નોંધાયો છે, જે ડિસેમ્બર 2019માં સમાન સમયગાળામાં રૂ. 4.31 હતો. કંપનીએ ડિસેમ્બર 2020માં સમાપ્ત થયેલાં ત્રિમાસિકગાળામાં રૂ. 26.53 કરોડનો કોન્સોલિડેટેડ નફો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સમાન સમયગાળામાં કંપનીને રૂ. 8.7 કરોડની ખોટ થઇ હતી, જેમાંથી ઉભરીને કંપનીએ સારા પરિણામ નોંધાવ્યાં છે. ડિસેમ્બર 2020 ત્રિમાસિકગાળામાં કંપનીનો કારોબાર રૂ. 317 કરોડ(સંયુક્ત)ના સ્તરે પહોંચ્યો છે, જે અગાઉના વર્ષે સમાન સમયગાળામાં રૂ. 93.28 કરોડ હતો. કંપની 100થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.
શક્તિ પંપ્સ કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનની સાથે તાલ મિલાવતાં પીએમ કુસુમ યોજનામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. આ અંતર્ગત સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે દેશભરના ખેડૂતોને સબસિડી સાથે સોલર પંપ્સ ઉપલબ્ધ કરાવાય છે.
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર દિનેશ પાટીદારે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2019 ત્રિમાસિકગાળાથી લઇને અત્યાર સુધીમાં અમે લાંબી સફર ખેડી છે. સૌર ઉર્જાના ક્ષેત્રમાં કેન્દ્ર સરકારની નીતિઓ અને રોકાણથી અમારા માટે અપાર સંભાવનાઓનું સર્જન થયું છે. અમે પીએમ કુસુમ યોજના (ઘટક સી અને ડી) માટે સંપૂર્ણપણે તૈયાર છીએ અને આગામી સમયમાં તેના સારા પરિણામો પણ જોવા મળશે. તેમનું માનવું છે કે જો રાજ્ય સરકાર સોલર પંપ અને પ્રોડક્ટ્સની સરકારી ખરીદી સ્થાનિક ઉદ્યોગોમાંથી 50 ટકા ખરીદી અનિવાર્ય કરે તો મધ્ય પ્રદેશ સૌર ઉર્જાના ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બની શકે છે.