શખ્સોએ પત્ની, ૩ દીકરી સામે યુવકની હત્યા કરી
સુરત, શહેરના રાંદેર વિસ્તારમાં એક ૩૭ વર્ષીય વ્યક્તિની તેની પત્ની અને ત્રણ સગીર પુત્રીઓની સામે જ ધોળા દિવસે ચાર લોકોએ તેની મોટરસાઇકલ સાથે કાર અથડાવીને હત્યા કરી નાખી હતી. ઘટનાની વિગતો એવી છે કે, પીડિત જુનેદ ખાન પઠાણ, જે સ્થાનિક સાપ્તાહિક પ્રકાશનમાં કામ કરે છે, તેની પત્ની અને ત્રણ બાળકો સાથે શાહપોર વડમાં તેના સંબંધીઓને મળવા જઈ રહ્યો હતો.
જ્યારે તેઓ વ્યસ્ત જિલાની બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક કારે તેમની બાઇકને ટક્કર મારી હતી અને પાંચેય જણા રોડ પર પડ્યા હતા. તેઓ કંઈ સમજે તે પહેલાં ચાર લોકો કારમાંથી નીચે ઉતરી ગયા અને તેમની પાછળ છરી વડે હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ જુનેદ ખાનને રાહદારીઓ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેમની પુત્રીઓની ઉંમર ૧૦ વર્ષ, ચાર વર્ષ અને સૌથી નાની માત્ર અઢી વર્ષની છે. સમગ્ર મામલે રાંદેર પોલીસે હત્યાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. હત્યા મામલે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ પઠાણની હત્યા કોઈ અંગત અદાવતના કારણે થઈ છે.
પરિવારના સભ્યોએ અમને ચાર શંકાસ્પદ લોકોના નામ આપ્યા છે. દરમિયાન, અધિક પોલીસ કમિશનર શરદ સિંઘલે રવિવારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે શહેરમાં હત્યાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૨૧માં ૧૨ હત્યાની સરખામણીએ જાન્યુઆરી ૨૦૨૨માં સુરત શહેરમાં હત્યાના માત્ર બે કેસ નોંધાયા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં હત્યાના ૬ કેસ સામે આવ્યા છે.
સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં નોંધાયેલા આઠ કેસમાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં ૬ હત્યા વ્યક્તિગત દુશ્મનાવટ અથવા કૌટુંબિક વિવાદોના પરિણામે થઈ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેરમાં લગભગ દરરોજ હત્યાની એક ઘટના સામે આવી રહી છે. શનિવારે તો એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે પહોંચીને તેના પરિવારજનોની સામે જ ક્રુરતાપૂર્વક ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે.SSS