શટલ રિક્ષા ગેંગનો આતંક: કડીના દંપતીના ૧.૨૪ લાખના દાગીના ચોરાયા
અમદાવાદ, ભાડુ ઓછું થાય તેવા ઇરાદે જાે શટલ રિક્ષામાં મુસાફરી કરતા હો તો ચેતી જજાે. નહીં તો તમારો ઇરાદો લાખો રૂપિયામાં પડી શકે છે. રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં ચોરી કરતા ગઠિયાઓ સક્રિય થયા છે. આધેડ દંપતી કડીથી લગ્ન પ્રસંગ માટે અમદાવાદ આવીને શટલ રિક્ષામાં બેઠું હતું.
જ્યાં ગઠિયાએ તેમની નજર ચૂકવીને ૧.૨૪ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી કરી લીધા હોવાનો ચોંકાવનારો કિક્સો પ્રકાશમાં આવ્યો છે.
દાગીનાની ચોરી થઇ ત્યારે દંપતીને ખબર હતી નહીં, પરંતુ જ્યારે તે સાળાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે દાગીના ચોરાઇ ગયા છે.
કડીના અમીપાર્ક સોસાયટીમાં રહેતા કીર્તિભાઇ પટેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ૧.૨૪ લાખ રૂપિયાના દાગીના ચોરીની ફરિયાદ કરી છે.
કીર્તિભાઇના સાળાના દીકરાના લગ્ન હોવાથી તે તેમની પત્ની સાથે કડીથી અમદાવાદ એસટીમાં આવ્યા હતા. રાણીપમાં બલોલ નગર ચાર રસ્તા પર જવાનું હોવાથી કીર્તિભાઇ અને તેમનાં પત્ની શટલ રિક્ષામાં બેઠા હતા. જેમાં પહેલેથી ત્રણ પેસેન્જર બેઠા હતા. કીર્તિભાઇના પત્ની પાછળની સીટમાં બેઠા હતા અને સામાન પણ ત્યાં જ મૂક્યો હતો. બંને જણા બલોલનગર સાળાને ઘરે આવી ગયા હતા. જ્યાં કીર્તિભાઇની પત્નીએ સોનાના દાગીના તિજાેરીમાં મૂકવા માટે બેગ ખોલી હતી. બેગ ખોલતાની સાથે જ સોનાના દાગીના ભરેલી બેગ ગાયબ હતી.
કીર્તિભાઇના પત્નીએ તમામ સામાન ચેક કર્યો પરંતુ દાગીના નહીં મળતા તેમને અંદાજ આવી ગયો હતો કે શટલ રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ ચોરી કરી છે. કીર્તિભાઇ તરત જ રાણીપ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને ગઠિયાઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. રાણીપ પોલીસે આ મામલે રિક્ષાચાલક અને તેની ગેંગ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.