શનિનો મકર રાશિમાં પ્રવેશ થયો : શનિના મંદિરમાં ભીડ
અમદાવાદ: આજે સૂર્યપુત્ર શનિદેવએ પોતાની રાશિ પરિવર્તન કર્યુ હતુ, શનિદેવના રાશિ પરિવર્તનની નોંધનીય અને મહત્વની ઘટનાને લઇ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિમંદિરોમાં પણ ભવ્ય પૂજા, મહાઆરતી, યજ્ઞ અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા. ૨૪ વર્ષો બાદ શનિદેવએ પોતાની મકર રાશિમાં પરિવર્તન કર્યું હતુ, રાશિ પરિવર્તનને લઇને શનિમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી હતી.
શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, શાહીબાગના શનિમંદિર, થલતેજ વિસ્તારમાં આવેલા વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિમંદિર, સાલ હોસ્પિટલની સામે આવેલા શનિદેવ મંદિર, સોલારોડ પર આવેલા કાંકરિયા હનુમાનજી ખાતેના શનિદેવ મંદિર, વૈષ્ણૌદેવી સર્કલ ખાતે મારૂતિનંદન મંદિરમાં શનિદેવ મંદિર સહિતના વિવિધ શનિદેવ મંદિરોમાં વિશેષ પૂજા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દૂધેશ્વર વિસ્તારના અતિ પ્રાચીન અને ચમત્કારિક એવા શનિમંદિર, ખાતે મહાઆરતી, યજ્ઞ, માલપુઆ-ગાંઠિયાના પ્રસાદ, ૧૦૮ આહુતિ સહિતના કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેંકડો શનિભકતો દર્શનાર્થે ઉમટયા હતા એમ દૂધેશ્વર શનિદેવ મંદિરના પૂજારી રવિ મહારાજે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે તા.૨૪મી જાન્યુઆરી શુક્રવારના રોજ શનિ મહારાજ પોતાની રાશિ બદલશે એટલે કે, શનિ મહારાજે આજે સવારે ૯-૪૫ વાગ્યે મકર રાશિમાં પરિવર્તન કર્યુ હતું.
આજની ઘટના ધાર્મિક, જયોતિષશાસ્ત્રી અને ખગોળીય દ્રષ્ટિકોણથી પણ બહુ નોંધનીય અને મહત્વની મનાઇ રહી છે. આજે શનિદેવની રાશિ પરિવર્તનની ઘટનાને લઇ દૂધેશ્વર સ્થિત અતિપ્રાચીન શનિદેવ મંદિર ખાતે સવારે ૯-૪૫ વાગ્યે મહાઆરતી, શનિદેવને તેલનો અભિષેક-વિશેષ પૂજા અને માલપુઆ-ગાંઠિયાના પ્રસાદ સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.