Western Times News

Gujarati News

શનિવારથી ગરમીનો પારો ૪૦ ડિગ્રી પહોંચી શકે છે

અમદાવાદમાં ચાર દિવસ ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે પરંતુ ૧૩ માર્ચથી ગરમીનું જાેર વધશે

અમદાવાદ, ગુજરાતમાં દિવસે ગરમી અને વહેલી સવારે અને રાતે ઠંડક લાગે છે. પરંતુ ગુજરાતીઓને ગરમી માટે તૈયાર રહેવું પડશે. કારણ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારોમાં ૧૩ માર્ચથી ગરમી ૪૦ ડિગ્રીને પાર થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યારથી જ ૧૪ શહેરનો પારો ૩૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

ત્યારે રવિવારે અમદાવાદમાં ૩૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. નોંધનીય છે કે, રવિવારે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૭.૫ અને જ્યારે રાતે સરેરાશ લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ ૩૮ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ ૧૩ માર્ચથી ગરમીનું જાેર વધવાની આગાહી કરવામાં આવી છે.

આ સાથે તાપમાન ૪૦ ડિગ્રીએ પણ પહોંચી શકે છે. રવિવાર દરમિયાન ૩૭.૮ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૩૭.૬, ગાંધીનગરમાં ૩૬.૮, વલ્લભ વિદ્યાનગરમાં ૩૬.૭, વડોદરામાં ૩૬.૬, ડીસામાં ૩૬.૪, સુરતમાં ૩૫.૫, કેશોદ-ભાવનગરમાં ૩૫.૨, ભૂજમાં ૩૫, દીવમાં ૩૨.૩, વલસાડમાં ૩૪.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ત્રણ માર્ચથી ગરમી વધશે. સાત માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૩૮-૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડવાની શક્યતા છે.

આ ઉપરાંત ૧૫મી માર્ચથી અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન રાજસ્થાનના બાડમેર વિસ્તારમાં ગરમી વધીને મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. તેની અસરને પગલે ગુજરાતના સરહદના ભાગોમાં પણ ગરમી વધશે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.

જાેકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.