શનિવારે માસ્કનું ઉલ્લંઘન કરતા ૮૦૫ કેસ નોંધાયા
અમદાવાદ: સોમવારે રથયાત્રા પહેલા શહેરમાં આશરે ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, શનિવારે માસ્ક નિયમના ઉલ્લંઘનના માત્ર ૮૦૫ કેસ નોંધાયા હતા, જે ૫ જુલાઈએ ૨,૬૬૮ હતા. શહેર પોલીસના આંકડાઓ પ્રમાણે, પોલીસકર્મીઓએ પોતાનું ધ્યાન રથયાત્રા પર કેન્દ્રિત કરતાં શનિવારે માસ્ક ઉલ્લંઘનના ગુનાઓમાં ૫ જુલાઈના સરખામણીમાં ૭૦ ટકાનો ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે શ્રદ્ધાળુઓને રથયાત્રામાં ભાગ લેવાની મંજૂરી નથી. પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તહેવાર દરમિયાન પણ માસ્ક ઉલ્લંઘનના કેસમાં ઘટાડો નોંધાયો હતો.
આવી જ સ્થિતિ ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પણ જાેવા મળી હતી. જ્યારે કોવિડ-૧૯ના કેસ ઘટે છે ત્યારે સામાન્ય રીતે પોલીસ ગુનેગારો પ્રત્યે ઉદાર બની જાય છે અને માસ્ક ન પહેરતા લોકો માટે કોઈ આક્રમક ડ્રાઈવ પણ હાથ ધરતી નથી. ગયા અઠવાડિયે, શહેરમાં કોવિડ-૧૯ના કેસ ઓછા હતા. માસ્ક વગર ફરતા લોકો સામે ગુનો નોંધવા માટે અમે કોઈ ખાસ ડ્રાઈવ હાથ ધરી નહોતી. આ સિવાય રસીકરણની પ્રક્રિયા પણ ઝડપથી કરવામાં આવી રહી છે,
તેથી સંક્રમણ ફેલાવવાનું જાેખમ પણ ઘટી રહ્યું છે. તેથી, અમે માસ્ક ન પહેરતા લોકો સામે થોડું કૂણું વલણ દાખવવાનું નક્કી કર્યું છે’, તેમ એક શહેર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે તે વાતને ધ્યાનમાં લીધી નહોતી કે, માસ્ક ગુનાઓની સંખ્યામાં ઘટાડો થયાના થોડા અઠવાડિયા બાદ કોવિડ-૧૯ના કેસમાં વધારો થયો હતો. શહેર પોલીસના આંકડા પ્રમાણે, ૨૪ જૂન, ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધીમાં અમદાવાદમાં માસ્ક નિયમના ઉલ્લંઘનના ૬.૭૦ લાખ કેસ નોંધાયા હતા
અમદાવાદીઓએ નિયમના ઉલ્લંઘન બદલ ૫૪ કરોડ રૂપિયાનો દંડ ભર્યો હતો. પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, રથયાત્રા પૂર્ણ થયા બાદ તેઓ ફરીથી માસ્ક ન પહેરનારા લોકોને પકડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનારા સામે ફરિયાદ પણ નોંધશે. શહેરમાં ૧૪૪મી રથયાત્રાનું આયોજન કરવાની મંજૂરી રાજ્ય સરકારે ૮ જુલાઈએ આપી હતી.