શમ્મી કપૂરના ઘરે યોજાયું કપૂર ખાનદાનનું ગેટ-ટુ-ગેધર

મુંબઈ, બોલિવુડનું પ્રખ્યાત કપૂર ખાનદાન નાની-નાની વાતોની ઉજવવાનું પણ જાણે છે. પ્રસંગ નાનો હોય કે મોટો તેઓ ઉત્સાહ અને ખુશી સાથે ઉજવણી કરે છે. હવે કપૂર ખાનદાન ખૂબ મોટું છે ત્યારે સ્વાભાવિક છે કે, દર થોડા દિવસે કોઈને કોઈ ઉજવણીના કારણો નીકળી જ આવે છે.
ફેન્સને કપૂર પરિવારની ઉજવણીની ઝલક સોશિયલ મીડિયા દ્વારા મળતી રહે છે. હાલમાં જ કપૂર ખાનદાને કરેલી આવી કેટલીક ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કપૂર ખાનદાનના સભ્યો લંચ માટે નીલા કપૂર (સ્વર્ગીય શમ્મી કપૂરનાં પત્ની)ના ઘરે એકઠા થયા હતા.
નીતૂ કપૂર, બબીતા કપૂર, રણધીર કપૂર, કુણાલ કપૂર (સ્વર્ગીય શશી કપૂરના મોટા પુત્ર), રિમા જૈન, જતિન સિયાળ સહિતના પરિવારજનો એકઠા થયા હતા. પૃથ્વીરાજ કપૂરના દોહિત્ર અને એક્ટર જતિન સિયાળે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફેમિલી લંચની તસવીર શેર કરી છે.
લંચ પર આમંત્રિત કરવા માટે નીલા કપૂરનો આભાર માનતાં જતિને લખ્યું, “ગ્રાન્ડ ફેમિલી ગેટ-ટુ-ગેધર. થેન્ક્યૂ નીલા આંટી.” તસવીરમાં જાેઈ શકો છો કે, નીલા કપૂરની સામે કેક મૂકેલી છે અને તેઓ મીણબત્તી ઓલવતા જાેવા મળી રહ્યા છે. ડાઈનિંગ ટેબલ પર વિવિધ વાનગીઓ પીરસાયેલી જાેવા મળે છે.
આ સિવાય કુણાલ કપૂરે પણ ફેમિલી ફોટોગ્રાફ શેર કર્યો હતો, જેમાં નીલા કપૂર વચ્ચે બેઠેલાં જાેવા મળે છે. તેમની બાજુમાં નીતૂ, રણધીર અને બબીતા કપૂર છે. આ તસવીર પર કરિશ્મા કપૂરે કોમેન્ટ કરતાં લખ્યું, “તમને સૌને ન મળી શકવાનો અફસોસ છે. કોઈ કારણોસર કરિશ્મા કપૂર આ ફેમિલી લંચમાં સામેલ નહોતી થઈ શકી. જણાવી દઈએ કે, શમ્મી કપૂરે પહેલાં પત્ની ગીતા દત્તના અવસાન બાદ નીલા દેવી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૬માં એક ઈન્ટરવ્યૂમાં નીલાએ જણાવ્યું હતું કે, ગીતા દત્તના અવસાન બાદ શમ્મી કપૂર ભાંગી પડ્યા હતા.
જાેકે, તેઓ પિતાની ફરજ ચૂક્યા નહોતા. તેમણે દીકરા આદિત્ય અને દીકરી કંચનનું બરાબર ધ્યાન રાખ્યું હતું. પરંતુ જીવનસાથીની ખોટ હતી. આવા સમયે તેમની મુલાકાત નીલા સાથે થઈ હતી. જાેકે, નીલા અને શમ્મીના લગ્ન કૃષ્ણા રાજ કપૂરે ગોઠવ્યા હતા. ૨૭ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ નીલા અને શમ્મી કપૂરનાં લગ્ન થયા હતા. જેમાં આખો કપૂર પરિવાર સામેલ થયો હતો.