Western Times News

Gujarati News

શરદ્પૂણિમાએ કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થશે

કુમકુમ મંદિર દ્રારા ત્રણ દિવસ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે- ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવશે અને મહંત સ્વામી સૌને “” માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું…નો સંદેશો આપશે.””

શરદ્પૂણિમા નિમિત્તે ફાઉન્ટેનમાં જળની અંદર ભગવાન અને સંતો રાસ રમતા દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩૧ ઓકટોમ્બરને શનિવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ
પ્રવેશ થતો હોવાથી તા. ૩૧ ઓક્ટોબર થી તા. ર નવેમ્બર સુધી ત્રિદિવસીય મહોત્સવ રાત્રે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ ઓનલાઈન ઉજવાશે.
આ પ્રસંગે દેશ વિદેશના ભકતો લાભ લઈ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ
કરવામાં આવશે.

શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતો રાસ રમતા વિશિષ્ટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિમિત્તે તા. 3૧ ઓકટોબરના રોજ ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવશે અને મહંત સ્વામી સૌને “ માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું ” નો સંદેશો આપશે.  શરદ્પૂણિમા હોવાથી રંગબેરંગી રોશનીથી શણગારેલા ફાઉન્ટેનમાં જળની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સંતો રાસ રમતા વિશિષ્ટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ષોડ્શોપચારથી પૂજન,અર્ચન અને આરતી કરવામાં આવશે અને નિલકંઠવણિ ઉપર કેશરજળથી અભિષેક કરવામાં આવશે. આ ત્રિદિવસીય મહોત્સવ દરમ્યાન સૌ સંતો – હરીભકતો – યુવાનો મહંત સ્વામીજીને શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વસ્થ દીઘયુ અર્પે તે માટે ધ્યાન, ભજન, કીર્તન, માળા,પ્રદક્ષિણા, વચનમૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકાની, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો,જીવનપ્રાણ સ્વામીબાપાની વાતોની પારાયણ કરશે.

આનંદ સ્વામી ના સ્વસ્થ દીર્ઘાયુ માટે online શ્રી સ્વામિનારાયણ ભગવાનની ષોડશોપચાર થી મહાપૂજા કરવામાં આવશે
રવિવારે સાંજે 4:00 વાગે કુમકુમ મંદિર થી સદગુરુ શાસ્ત્રી આનંદ સ્વામી ના સ્વસ્થ દીર્ઘાયુ માટે online શ્રી સ્વામિનારાયણ ભગવાનની ષોડશોપચાર થી મહાપૂજા કરવામાં આવશે જેની અંદર દેશ વિદેશના ભક્તો પોતાના ઘરેથી ભગવાનની મહાપૂજા કરશે.

કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારનું કાર્ય કરવામાં માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે સંવત્‌ ૧૯૪૮ આફ્રિકા પધારી સેવા અર્પી છે. ભારતમાં ઠેર – ઠેર સંસ્કૃતિના આધાર સ્તંભો સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે.સત્સંગ ની વૃધ્ધિ માટે તેમણે લંડન – અમેરીકા, દુબઈ આદિ સ્થળોએ વિચરણ કર્યું છે.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુકતજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે રહીને મંત્રી તરીકે રહીને સમાજનું ઘડતર કરનાર સાધુ – સંતોને એક મંચ ઉપર એકત્ર કરી સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવામાં પણ તેઓ અગ્રેસર રહયા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સંતોના જે નિયમો છે અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ રચેલ ત્યાગીના બંધારણના સિંઘ્ઘાતો છે તેને સાચવાના માટે અમદાવાદના મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમની સ્થાપના કરી છે.

આવા વિરલ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે બિરાજે છે,તેમણે સંતની દિક્ષા ગ્રહણ કરી તેને ૭૯ વર્ષ થયા છે. તા. ૩૧ ઓકટોમ્બરને શરદ્પૂ્ણિમાના પાવન દિવસે તેઓ ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.ત્યારે આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, તેઓને સ્વસ્થ દીઘયુ અર્પે. જેથી જનસમાજને તેમના દર્શન અને જ્ઞાનનો લાભ વધુને વધુ પ્રાપ્ત થતો રહે.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.