શરદ પવાર પોતાના જ દાવામાં ફસાયા, ભાજપે ટ્વીટ કરી ઉઘાડા પાડ્યા

નવી દિલ્હી, મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીર સિંહ દ્વારા લખવામાં આવેલા પત્રને લઈને ઉભો થયેલો વિવાદ હવે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યમાં ઉભી થયેલી રાજકીય આંધીના ઝપાટામાં મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર અને શિવસેના-એનસીપીનું ગઠબંધન સંકટમાં દેખાઈ રહ્યું છે.
સોમવારે ફરી એકવાર એનસીપી પ્રમુખ શરદ પવારે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી. શરદ પવારે સ્પષ્ટતા કરી કે ગૃહ મંત્રી અનિલ દેશમુખને રાજીનામું આપવાની કોઇ જરૂર નથી. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારે એક એવો દાવો કર્યો જેના પર ત્યાં હાજર મીડિયા અને ભારતીય જનતા પાર્ટીએ તરત જ સવાલ ઉઠાવ્યા.
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ જ નથી. તેમના પર જે આરોપ લાગવ્યા છે તેમાં કોઇ દમ નથી. આ સાથે જ શરદ પવારે કહ્યું કે જે તારીખ વચ્ચે આ આરોપ લગાવવામાં આવ્યા છે, તે સમયે ૫થી ૧૫ ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્રના ગૃહ મંત્રી હોસ્પિટલમાં દાખલ હતા, તે બાદ તેઓ લાંબા સમય સુધી ક્વોરન્ટાઇનમાં રહ્યા.
પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે શરદ પવારે અનિલ દેશમુખના પ્રેસ કોન્ફરન્સમાં હોવાનો દાવો કર્યો, ત્યારે તરત જ બીજેપીના અમિત માલવીયએ ટ્વીટર પર અનિલ દેશમુખના જૂના ટ્વીટને રિટ્વીટ કરી દીધું. ટ્વીટ અનુસાર, અનિલ દેશમુખ ૧૫ ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી રહ્યાં હતા. બીજેપીના આ દાવા પર શરદ પવારને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ પૂછવામાં આવ્યા, જે બાદ તેમણે પોતાના દાવા પર સ્પષ્ટતા કરી. શરદ પવારે કહ્યું કે ૫થી ૧૫ ફેબ્રુઆરી સુધી અનિલ દેશમુખ હોસ્પિટલમાં હતા, તેવા ડોક્યુમેન્ટ મારી પાસે છે.