શરદ પવાર વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે ?
નવીદિલ્હી: પ્રશાંત કિશોર અને ગાંધી પરિવાર વચ્ચેની બેઠક બાદ અનેક અટકળો લાગી રહી છે. સૂત્રોના હવાલાથી જણાવાઈ રહ્યું છે કે બેઠક દરમિયાન રાજ્યોની ચૂંટણીઓ જ નહીં પરંતુ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન વિરોધી પક્ષોના ઉમેદવાર તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનું નામ સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે તાજેતરમાં પ્રશાંત કિશોર પવારને તેમના નિવાસ સ્થાને બે વાર મળ્યા હતા. તે દરમિયાન એવી અટકળો કરવામાં આવી રહી હતી કે દેશના વિરોધી પક્ષો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નવા રાજકીય સમીકરણ અથવા ત્રીજા મોરચાની તૈયારી કરી રહ્યા છે.
મંગળવારે પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે આ બેઠક પંજાબ કોંગ્રેસ અથવા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચાલી રહેલા વિખવાદને સમાપ્ત કરવા માટે કરવામાં આવી હતી. મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યુ હતુ કે, આ બેઠક દ્વારા કોંગ્રેસે ૨૦૨૪ માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે.
૨૦૧૭ ની ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ નિષ્ફળ થયાના પાંચ વર્ષ બાદ રાહુલ અને કિશોર મળ્યા હતા. આ સંદર્ભમાં મીટિંગને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી. સમાજવાદી પાર્ટી સાથે યુપી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ હતી અને પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો.ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી કિશોરે કહ્યું હતું કે, આ બનવાનું જ હતુ. તેમણે જે રીતે કોંગ્રેસ કામ કરી રહી છે તેના પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પાર્ટીને હઠીલી અને જીદ્દી તરીકે વર્ણવી હતી. કિશોરે તો એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં કોંગ્રેસ સાથે કામ કરવાનો કોઈ સવાલ નથી, પરંતુ તે પ્રિયંકા ગાંધીના સંપર્કમાં રહેશે.