શરૂની બે મેચમાં નબળો દેખાવ ભારતને ભારે પડ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/India-cricket-1024x576.jpg)
દુબઈ, ૨૦૦૭ની ચેમ્પિયન ભારતીય ટીમનું ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. અફઘાનિસ્તાન પર જીતની સાથે ન્યૂઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચી ગયું છે અને વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમને બહારનો રસ્તો દેખાડ્યો છે.
જાે કે, ભારતે પોતાની છેલ્લી મેચ નામીબિયા સામે સોમવારે રમવાની છે, પરંતુ આ મેચ માત્ર ઔપચારિકતાની હશે. આ મેચની ટૂર્નામેન્ટ પર કોઈ અસર પડશે નહીં. ભારતીય ક્રિકેટ ટીમ કે જેને વર્લ્ડ કપ જીતવા માટે સૌથી મોટી દાવેદાર માનવામાં આવતી હતી, તે બહાર થઈ છે. ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ તેના કેટલાક કારણો છે.
ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું, પરંતુ જ્યારે તેઓ ટૂર્નામેન્ટમાં રમવા ઉતર્યા તો ગુમ થઈ ગયા. પાકિસ્તાન સામે મેચમાં પણ વિરાટ કોહલીને છોડીને બાકીના કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નહીં.
બોલિંગની વાત કરીએ તો, દુનિયાના બેસ્ટ બોલરમાંથી એક જસપ્રીત બુમરાહની આગેવાનીમાં પણ ટીમ ઈન્ડિયા કોઈ વિકેટ લઈ શકી નહીં. ન્યૂઝીલેન્ડ સામે પણ કંઈક આવું થયું, જ્યાં બુમરાહે બે વિકેટ લીધી પરંતુ બાકીના વિભાગ પર કીવી ટીમ ભારે પડી.
પરિણામરૂપે પહેલી મેચમાં ૧૦ વિકેટ તો બીજીમાં ૮ વિકેટથી હાર મળી. ટીમ બહાર થશે તેવું અહીંયા જ નક્કી થઈ ગયું હતું. ટૂર્નામેન્ટ પહેલા તે શરત પર હાર્દિક પંડ્યાનું ટીમમાં સિલેક્શન થયું હતું કે તે બોલિંગ પણ કરશે, પરંતુ શરૂઆતની બંને મેચમાં આવુ થયું નહીં.
આ ન માત્ર સોશિયલ મીડિયા પર ફેન્સની વચ્ચે ચર્ચાનો સૌથી મોટો વિષય રહ્યો પરંતુ કોમેંટેટર્સ અને ક્રિકેટ એક્સપર્ટ પણ સવાલ કરતા જાેવા મળ્યા હતા. બાકીની મેચમાં તેણે બોલિંગ કરી, પરંતુ વધારે અસર થઈ નહીં. હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વરને પ્લેઈંગ ઈલેવનમાં રાખવા પર સવાલ ઉઠ્યો તો ન્યૂઝીલેન્ડની સામે રોહિત શર્માનું ઓપનિંગ ન કરવું બધાને ખટક્યું.
જાે આઈડિયા સફળ રહ્યો હોત તો ઓછા સવાલ ઉભા થાત, પરંતુ ઈશાન કિશન પણ કંઈ ખાસ કરી શક્યો નહીં અને બદલાવ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવેલો શાર્દુલ ઠાકુર પણ પર્ફોર્મ કરવામાં નિષ્ફળ રહ્યો.
જ્યારે ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો મેન્ટર બન્યો ત્યારે ટીમ વધારે સારું પ્રદર્શન કરશે તેવી આશા હતી. તેણે થોડા દિવસ પહેલા જ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલમાં ચોથીવાર જીત અપાવી હતી.
ધોની શરૂઆતની બે મેચમાં ભારતીય ટીમની મદદ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. કેએલ રાહુલે આઈપીએલમાં સારું પર્ફોર્મન્સ આપ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્માના આંકડા અને રેકોર્ડ ઘણી ઈન્ટરનેશનલ ટીમ કરતા સારા હતા. જસપ્રીત બુમરાહ, મહોમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા પોતાના થકી ટીમને જીત અપાવવાની શક્તિ ધરાવે છે, પરંતુ ઓવરઓલ પૂરી ટીમ પર નજર નાખશો તો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે આ મોટા નામ કંઈ કરી શક્યા નહીં. બે મેચમાં શરમજનક હાર બાદ, ભારતીય ટીમ હારી પરંતુ મોડુ થઈ ચૂક્યું હતું.
ટીમે અફઘાનિસ્તાનને ૬૬ રનથી હરાવ્યું હતું. બાદમાં સ્કોટલેન્ડને ૮ વિકેટથી હરાવ્યું હતું, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં. અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું હોત તો ભારત સેમીફાઈનલમાં પહોંચી શકત. તેવામાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડનો આંકડો ૬-૬ હોત.
ભારત અંતિમ મેચમાં નામીબિયા વિરુદ્ધ જીત નોંધાવવા માટે નેટ રન રેટ પ્રમાણે સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરત, પરંતુ ન્યૂઝીલેન્ડે મેચ જીતતા ૮ અંકની સાથે સીધા સેમીફાઈનલમાં પહોંચવા માટે સફળતા મેળવી.SSS