શરૂ થઈ ગઈ ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન, જાણો કયા-કયા સ્ટેશને ઊભી રહેશે
અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થતા આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે
અમદાવાદ, તારીખ ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-બોટાદ ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે. અમદાવાદ-બોટાદ ટ્રેન અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જંક્શન સુધી દોડે છે. છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રેન બંધ હતી કારણકે આ ટ્રેનના ગેજ રૂપાંતરનું કામ ચાલુ હતું.
હવે મીટરગેજમાંથી આ ટ્રેન રુટને બ્રોડગેજમાં ફેરવાયા બાદ આખરે આ અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, કુલ ૧૨ કોચ ધરાવતી આ ટ્રેનનું ભાડું ૭૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે અગાઉ ટ્રેન મારફતે બોટાદ પહોંચવામાં સાડા પાંચ કલાકનો સમય લાગતો હતો.
હવે માત્ર સાડા ત્રણ કલાકમાં અમદાવાદથી બોટાદ પહોંચાશે. થશે. ભવિષ્યમાં આ ટ્રેનને ભાવનગર સુધી લંબાવવામાં આવે તેવી પણ શક્યતા છે.
અમદાવાદમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી ઉપડતી આ ટ્રેન વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ, ગાંગડ, લોથલ, ભુરખી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળીલા રોડ, અને સારંગપુર થઈ બોટાદ પહોંચશે. અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થતા આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે.
સાબરમતી અને બોટાદ વચ્ચે ગેજ રૂપાંતર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ રૂટ પર પેસેન્જર ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, બોટાદથી અમદાવાદ વચ્ચે દોડનારી આ ટ્રેનથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની સાથે-સાથે બોટાદના લોકોને ખૂબ ફાયદો થશે.
અહીં નોંધનીય છે કે અમદાવાદ-બોટાદ વચ્ચે અગાઉ મીટરગેજ લાઇન હતી. વર્ષ ૨૦૧૭થી તેને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. મળતી માહિતી મુજબ, ગાંધીગ્રામ-બોટાદ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન ગાંધીગ્રામથી સવારે ૬.૫૫ કલાકે ઉપડીને સવારે ૧૦.૫૫ કલાકે બોટાદ પહોંચશે.
પરતમાં બોટાદથી ૧૭.૧૦ કલાકે ઉપડીને રાત્રે ૨૧.૦૦ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. બીજી એક ટ્રેન ગાંધીગ્રામથી સાંજે ૧૮.૦૦ કલાકે ઉપડીને રાત્રે ૨૧.૫૫ કલાકે બોટાદ પહોંચશે. બોટાદથી સવારે ૬.૦૦ વાગ્યે ઉપડીને ૯.૩૫ કલાકે ગાંધીગ્રામ પહોંચશે.ss1kp