શસ્ત્રો સપ્લાય કરવા ISIએ પૈસા આપ્યા હતા: બાબર
જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં સેનાના હાથમાં જીવતા પકડાયેલા પાક આતંકી અલી બાબરે મોટી કબૂલાત કરીને પાકિસ્તાનની પોલ ખોલી નાંખી છે. પૂછપરછ દરમિયાન બાબરે કબૂલ્યુ હતુ કે, પાકિસ્તાનથી હથિયાર સપ્લાય કરવા માટે હું ભારત આવ્યો હતો.
ભારત આવવા માટે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા મને પૈસાની લાલચ આપવામાં આવી હતી અને પાક સેનાએ મને ટ્રેનિંગ આપી હતી. મને ૨૦૦૦૦ રૂપિયા એડવાન્સ મળ્યા હતા અને આ સિવાય મારા પરિવારને ૩૦૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા.
અલી બાબર પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે અને તેનીવય ૧૯ વર્ષની છે. જાણકારી પ્રમાણે તેણે પાકિસ્તાનના ગઢી હબીબુલ્લા વિસ્તારમાં આતંકી ટ્રેનિંગ લીધી હતી. બાબરને ભારતમાં પટ્ટન વિસ્તારમાં હથિયાર પહોંચાડવાની જવાબદારી અપાઈ હતી.
જાેકે એવી પણ શંકા છે કે, તેને હથિયાર પહોંચાડવાની સાથે સાથે મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે પણ મોકલવામાં આવ્યો હોય.
આ આતંકી છેલ્લા ૧૦ દિવસથી ઉરીના એક નાળામાં છુપાયો હતો. તેને જીવતો પકડી લેવામાં આવ્યો છે. આ આંતકી લશ્કર એ તોઈબા સાથે સંકળાયેલો હોવાનુ મનાય છે. તેની પાસેથી ત્રણ એકે-૪૭ અને ચીન તેમજ પાકમાં બનેલા ગ્રેનેડ મળી આવ્યા હતા.SSS