શહીદ જવાનોના પરિવારને એક કરોડ રૂપિયાની મદદ આપો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/07/hardik-patel-1-1024x639.jpg)
અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સરહદ પર લડત ગુજરાતના શહીદ થયેલા જવાનોના પરિવારને એક કરોડ રૂપિયાની રકમ અને પરિવારના વારસદારને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે.
હાર્દિક પટેલના આ પત્રમાં તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું છે કે મુખ્યમંત્રી સાહેબ, તમારી જાણકારીમાં જરૂરથી હશે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે થયેલા ગોળીબારમાં ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા વણઝારીયા ગામના સેનાના જવાન હરીશભાઈ પરમાર શહીદ થયા હતા.
એક તરફ અમને ગર્વ છે કે હરીશભાઈએ ભારતમાતાની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ બીજી તરફ તેમના મૃત્યુનું દુઃખ પણ છે. હાર્દિકે લખ્યું છે કે હરીશભાઈ માત્ર ૨૫ વર્ષના હતા અને પોતાના પિતાના મોટા પુત્ર હતા, નાનો ભાઈ હજી ભણી રહ્યો છે. તેમનો પરિવાર આર્થિક રૂપથી સદ્ધર નથી અને હવે તો તેમનો એકમાત્ર આધાર પણ છીનવાઇ ગયો છે. બધી બાબતોને ધ્યાનમાં રાખીને મારું નિવેદન છે કે શહીદના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ રાશિ અને તેમના કોઈ એક વારસને સરકારી નોકરી આપવામાં આવે.
પુલવામા હુમલા બાદ મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના શહીદ જવાનના પરિવારને તે સમયના મુખ્યમંત્રી કમલનાથે એક કરોડ રૂપિયાની મદદ રાશિની ઘોષણા કરી હતી. દેશમાં આવા અનેક ઉદાહરણ છે. જ્યારે આપણી સેનાના જવાનો દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપે તો શું સરકારની આ જવાબદારી નથી બનતી કે સર્વોચ્ચ બલિદાન બાદ તે શહીદોના પરિવારને યોગ્ય સન્માન આપે અને તેમનું ધ્યાન રાખે.
ગુજરાતની જનતા તરફથી અમારી માંગ છે કે હરીશભાઈના પરિવારને તાબડતોબ એક કરોડ રૂપિયાની મદદ અને તેના કોઈ એક વારસને સરકારી નોકરી આપવામાં આવે. આશા છે કે આપની સરકાર શહીદને આ સન્માન આપવામાં મોડું નહીં કરે.
ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી જવાન હરિશસિંહ જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. હરિશસિંહ પરમાર નામના જવાને ૨૫ વર્ષની ઉંમરે શહીદી વહોરી છે. પુત્ર શહીદ થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. ૨૫૦૦ની વસ્તી ધરાવતું વણઝારીયા ગામ શોકમગ્ન બન્યું છે.SSS