શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમ નિકોલથી ૪૦ બસમાં ૧૬૦૦ શ્રમિકો યુ.પી. રવાના કરાયા
સા’બ યે બડા હોલમે એ.સી. લગા હોગા…. !! હમ બૈઠ જાયે…? ફરજ પરના અધિકારીએ આ સાંભળ્યું અને શ્રમીકોને બેસવા એ.સી. હોલ ખોલી આપ્યો. ઓડિટોરિયમનું એ.સી. ફરી ચાલુ કરવા સૂચના અપાઇ અને શ્રમિકો આરામ કરવા લાગ્યા…
શ્રમિકોની વતન વાપસી માટે અસારવા ખાતેના વીર સાવરકર સ્પોર્ટસ સંકુલ બાદ હવે નિકોલના શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમનો પણ ઉપયોગ રવાનગી કેન્દ્ર તરીકે કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમથી ૪૦ બસમાં ૧૬૦૦થી વધુ શ્રમિકોને રવાના કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટાભાગના શ્રમિકોને રેલવે સ્ટેશન પહોંચવા માટે બસમાં બેસી ચુક્યા હતા. ત્યારે અન્ય શ્રમિકોએ તેઓની નિયત બસમાં બેસી રહેવા કરતાં એ.સી. હોલમાં સમય પસાર કરવાનું નક્કી કર્યું. તેઓએ તંત્રને ઓડિટોરિયમમાં બેસવાની વાત કરતા જ ઉપસ્થિત કર્મચારીઓએ જરૂરી વ્યવસ્થા કરી આપી.
અહીં ફરજ પરના અધિકારીએ જણાવ્યુ કે, જિલ્લા કલેક્ટરશ્રીની સુચના અનુસાર શ્રમિકો માટે એ.સી. હોલ સહિતની તમામ સુવિધાઓ ઉપયોગમાં લેવાઇ રહી છે. એસ.ટી. બસોને નિકળવાના ૩-૪ કલાક પહેલા જ સ્થળ પર હાજર રાખવામાં આવે છે. ઘણા શ્રમિકો વતન પાછા જવાની ચિંતા અને ઉતાવળને કારણે હોલ છોડી બસમાં જ બેસવાનું પસંદ કરે છે. આવા સમયે કેટલાક શ્રમિકોએ સામેથી હોલમાં બેસવાની વાત કરતાં અમે સહર્ષ ખોલી આપ્યો.
શ્રમિકોની વતન વાપસી માટે રાજ્ય સરકારના ભગીરથ કાર્યમાં અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર અગ્રેસર રહ્યું છે. માત્ર અમદાવાદના જ ૧ લાખથી વધુ શ્રમિકોને તેઓના વતનમાં પહોંચાડવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આયોજનબદ્ધ રીતે શ્રમીકોને રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યા છે.
કલેક્ટરશ્રી કે. કે. નિરાલાના જણાવ્યા અનુસાર, રવાનગી કેન્દ્રો પર શ્રમિકોના હેલ્થ ચેકઅપ, ભોજન-નાસ્તો, પાણી અને બેસવાની વ્યવ્સ્થા કરવામાં આવે છે. વતન જવા માંગતા જિલ્લાના બાકી તમામ શ્રમિકો-પરપ્રાંતિયોને સુરક્ષિત તેમના ઘરે પહોચાડવા અમે પ્રયાસરત છીએ.