અમદાવાદ શહેરનાં ૩પ૧ પોલીસ જવાનો કોરોના સંક્રમિત
(સારથી એમ.સાગર) અમદાવાદ, હાલમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેર ચાલી રહી હોવાનું કહેવાઈ રહયુ છે અને કોરોનાનાં કેસ ઉત્તરોત્તર વધી રહયા છે ત્યારે સામાન્ય માણસની જેમ જ હેલ્થ વર્કર્સ અને કોરોના વોરીયર્સને પણ આ રોગે પોતાના ભરડામાં લીધા છે જેમાંથી શહેરનું પોલીસ તંત્ર પણ બાકાત રહયું નથી. પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર હાલમાં શહેરના પોલીસ અધિકારી તથા કર્મચારી મળીને કુલ ૩પ૧ જવાનો કોરોના સંક્રમિત થયા છે.
આ અંગે શહેર પોલીસ કંટ્રોલના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે હાલમાં અધિકારી અને કર્મચારી મળી કુલ ૩પ૧ પોલીસ સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે જેમાં એસઆરપીના જવાનો તથા હોમગાર્ડ પણ સામેલ છે પરંતુ મોટાભાગના સંક્રમિતોમાં માઈલ્ડ લક્ષણો જાેવા મળયા છે જેના કારણે તે હોમ આઈસોલેશનમાં છે.
શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન અને તેમની સુચના હેઠળ તમામનું રોજેરોજ મોનીટરીંગ કરવામાં આવી રહયું છે અને કોઈપણ પોલીસ જવાનની તબિયત લથડે નહી તેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહયાં છે.
નોંધનીય છે કે હાલમાં જ વધુ ૮પ પોલીસ જવાનો સંક્રમિત થયાનું સામે આવ્યું હતું જાેકે ડીસીપી પટેલે વધુમાં કહયુ હતું કે તમામ જવાનોને પ્રિકોશનના ભાગરૂપે એમીક્રોન હળવા લક્ષણો દેખાય તો પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી લેવા સુચન આપવામાં આવ્યું છે આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને સીએચસી (હેલ્થ સેન્ટર) ખાતે કોરોના ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ઉપરાંત તમામ કોરોના વોરીયર માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવતા પોલીસ જવાનોને પણ બુસ્ટર ડોઝ આપવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે અને થોડા સમયમાં જ તમામને બુસ્ટર ડોઝ અપાઈ જાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.