અમદાવાદના જાણીતા સીનિયર બાળરોગ નિષ્ણાંત કોરોના સામેની જંગ હાર્યા
અમદાવાદ: શહેરના ઈસનપુર વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. ઉપેન્દ્ર વિઠલાનીનું શુક્રવારે કોવિડ-૧૯ના કારણે મોત નિધન થઈ ગયું. તેમના મિત્રો અને સહકર્મીઓએ જણાવ્યું હતું કે, ૫૯ વર્ષના ડો. વિઠલાની કોરોનાની મહામારીના સમયે પણ સતત પોતાના દર્દીઓની સેવામાં જાેડાયેલા હતા.
કોરોનાની આ મહામારીમાં શહેરમાં વધુ એક કોવિડ વોરિયરે જીવ ગુમાવ્યો છે. દુઃખની સાથે મેડિકલ જગતના સભ્યએ જણાવ્યું કે, તેઓ જૂન મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને લાંબી લડાઈ બાદ સ્થિતિ વધુ ખરાબ થતા તેમનું મોત થઈ ગયું.
ડો. વિઠલાનીના કઝિન અને સીનિયર ફિઝિશિયન ડો. મનોજ વિઠલાનીએ જણાવ્યું કે, કોવિડ-૧૯ માટે ઉપલબ્ધ તમામ થેરાપી ટ્રાય કરવામાં આવી હતી. પરંતુ વાયરસ પર તેની કોઈ અસર ન થઈ. આપણે હજુ પણ કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને ગુમાવી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં સામે આવેલા કુલ કોરોનાના કેસોમાં અડધાથી વધારે કેસ માત્ર અમદાવાદ શહેરમાં સામે આવ્યા હતા. જાેકે પાછલા ૧૦ દિવસોથી કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે.