શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ‘રખડતાં ઢોર’નું ‘રાજ’ યથાવત
હાઇકોર્ટના આકરાં આદેશો છતાં ફરી નાગરિકોના જીવ સાથે સંકળાયેલા રખડતાં ઢોરના ત્રાસના સંવેદનશીલ મુદ્દે હાઇકોર્ટના આદેશો પર તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું સાબિત થયું
અમદાવાદ,દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન હાલ શહેરના રસ્તાઓ પર ફરી એકવાર ‘રખડતાં ઢોર’નો ‘રાજ’ જોવા મળી રહ્યો છે. હાઇકોર્ટ દ્વારા રખડતાં ઢોર સહિતના શહેરના જ્વલંત મુદ્દાઓ મામલે વિવિધ આદેશો કરવામાં આવ્યા છે, તેમ છતાંય જાણે તંત્ર હાઇકોર્ટના આદેશો પર આંખ આડા કાન કરતું હોય એવો ઘાટ હાલ સર્જાયો છે અને ફરીવાર શહેરના રસ્તાઓ પર ઢોરના ટોળેટોળાં દેખાઇ રહ્યા છે.
હાઇકોર્ટના આદેશના અમલની જવાબદારી ગૃહવિભાગના એડી.ચીફ સેક્રેટરી એમ.કે. દાસ અને અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમાર ઉપરાંત તમામ જિલ્લાના મ્યુનિસિપલ અને પોલીસ કમિશનરો તથા જિલ્લા કલેક્ટરો અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની રહેશે એવો આદેશ હાઇકોર્ટે કર્યાે હતો. તેમ છતાંય હાઇકોર્ટના આદેશના અમલ દેખાઇ રહી છે અને નાગરિકો ફરી એકવાર તંત્રની દયાના ભરોસે હોય એવું જણાઇ રહ્યું છે. રખડતાં ઢોરના કારણે રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગંભીર દુર્ઘટનાઓ બની છે અને લોકો ઇજાગ્રસ્ત થયા છે અને મૃત્યુ પણ પામ્યા છે. આ સમસ્યા મુદ્દે હાઇકોર્ટના આદેશોનો અમલ નહીં થતાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી અત્યારે પણ હાઇકોર્ટ સમક્ષ ચાલી રહી છે.
તેમ છતાંય જાણે કોર્પાેરેશન કે સરકારી તંત્રના પેટનું પાણી હલતું ન હોય એ રીતે ફરીવાર કન્ટેમ્પ્ટના કેસમાં થયેલા આદેશોનો કન્ટેમ્પ્ટ થઇ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. દિવાળી પહેલાં અમુક વિસ્તારોમાં એકલ દોકલ ઢોર ફરતાં દેખાઇ જતાં હતાં, પરંતુ અત્યારે રખડતાં ઢોરના ટોળેટોળાં દેખાઇ રહ્યા છે. જે દર્શાવે છે કે તંત્ર હાઇકોર્ટના આદેશનો અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ પુરવાર થયું છે અને કાયદાનો ભંગ કરનારાઓને કાયદા કે કોર્ટનો કોઇ ભય જ નથી. શહેરના એસજી હાઇવે નજીકના વિસ્તારોમાં હાલ ઢોરની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે.
હાઇકોર્ટની નજીક ગોતા, સોલા અને જગતપુર જેવા વિસ્તારોમાં માત્ર રાતના અંધારામાં જ નહીં, ધોળે દહાડે પણ ઢોરના ટોળાં ફરતાં જોવા મળે છે. જેના કારણે લોકોને ફરી એકવાર જીવનું જોખમ ઊભું થયું છે અને અકસ્માત થવાનો ડર પણ વધી ગયો છે. કોર્પાેરેશન અને સરકારી તંત્ર લોકોની સલામતી ક્યારે સુનિશ્ચિત કરશે અને ક્યારે શહેરની સમસ્યાઓનો અંત આવશે એવો સવાલ અત્યારે ફરીવાર ચર્ચાઇ રહ્યો છે. ss1