શહેરના પૂર્વ પટ્ટામાં ગટર ઉભરાવવાની સમસ્યા વકરી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ બેક મારવાની સમસ્યા વકરી રહી છે. પૂર્વ વિસ્તારમાં નિકોલ થી લાંભા સુધી ના ગટરો ઉભરાવવાના કારણે જાહેર માર્ગ ઉપર ગંદા પાણી ફરી વળે છે તેમજ ખારીકટ કેનાલમાં ગંદાં પાણી જઇ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ખારીકટ કેનાલ માં ગંદા પાણી જતા રોકવા માટે કામ કરવામા આવી રહ્યું છે. પરંતુ પમ્પીગ સ્ટેશન ની ક્ષમતા કરતા વધુ પાણી આવી રહ્યા હોવાથી ડ્રેનેજ લાઈનો ચોક અપ થઈ રહી છે વટવાના નવાના પમ્પીગ સ્ટેશન માં આવી જ સ્થિતિ નું નિર્માણ થયું છે.
શહેરમાં નિકોલ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી મનમોહન ચોકડીથી લઇને છેક અશ્વમેઘ બંગલો સુધીના વિસ્તારમાં ગટરના પાણી બેક મારી જાહેર રસ્તા પર ફરી વળે છે. આ વિસ્તારમાંથી રોજ પસાર થતા 5000 થી વધારે નાગરિકોને આ ગટરના પાણી પાસેથી કે તેના ઉપરથી પસાર થવું પડે છે. જોકે તંત્ર દ્વારા તે બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. આ વિસ્તારમાં બપોરના 12 વાગ્યા સુધી ગટરના પાણી ઉભરાવાની સમસ્યા જોવા મળે છે, તે પછી સમસ્યા ઓછી થાય છે. તે બાબતે સ્થાનિક રહીશોએ ફરિયાદ કરતાં ઝોન તેમજ ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ એકબીજા પર જવાબદારીની ખો આપી રહ્યા છે.આ ઉપરાંત લાંભા, વટવાના કેટલાંક વિસ્તાર, નારોલ તેમજ અન્ય વિસ્તારમાં પણ ગટરના પાણી બેક મારતાં હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ આ બાબતે ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી હતી.
જેમાં અધિકારીઓ દ્વારા એવી સ્પષ્ટતા નવાણ પંપીંગ સ્ટેશનની ક્ષમતા કરતાં ડબલ સુએઝ તેમાં આવી રહ્યું છે, જેથી ક્ષમતા વહન નહી થવાને કારણે આ સમસ્યા ઉભી થઇ છે. ગેરકાયદેસર જોડાણના કારણે પણ પંપિંગ સ્ટેશનમાં ઇનફલો વધી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ખારીકટ કેનાલમાં ડ્રેનેજ જોડાણ બ્લોક કરવામાં આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને કારણે શહેરમાં ખારીકટમાં ખુલતાં સ્ટ્રોમવોટરના એકમો પણ બંધ કરવામાં આવી રહ્યાં છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
શહેરમાંથી પસાર થતીં 22 કી.મી લાંબી 110 વર્ષ જૂની કેનાલમાં અગાઉ 79 જેટલા સ્ટ્રોમવોટરના કનેકશન હતાં. જે મોટાભાગના બંધ થઇ જતાં હવે માંડ 12 જેટલા રહ્યાં છે, તેમાં પણ 5 કનેકશન ડાયવર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ નારોલ- નરોડા લાઇનના બદલે એસ.પી.રિંગરોડ પર નાખવામાં આવેલી નવી લાઇનમાં આઠ પંપિંગ સ્ટેશન ની લાઈનો ડાયવર્ટ કરવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે તેમાં ડાયવર્ટ થતાં સુએઝ પણ અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવતાં અા સમસ્યાઓ ઉભી થઇ રહી છે.